Gujarat

અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે રૂ. 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજના મંજૂર

વાર્ષિક રૂ. 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોના 3 હજાર વિદ્યાર્થીઓને મળશે લાભ

ગાંધીનગર,
રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે રૂ. 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને વહીવટી મંજૂરી આપી છે. સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદ્યુમન વાજાના નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલી આ યોજનાથી વાર્ષિક રૂ. 2.50 લાખથી રૂ. 6 લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિના પરિવારોના અંદાજે 3 હજાર વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.અત્યાર સુધી કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ માત્ર રૂ. 2.50 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓને મળતો હતો. હવે રાજ્ય સરકારે મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખી આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરી છે. જેના કારણે વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય મેળવી શકશે.

આ યોજના કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ અમલમાં મુકવામાં આવશે. પાત્ર વિદ્યાર્થીઓને એકેડેમિક એલાઉન્સ તેમજ માન્ય નોન-રીફન્ડેબલ ફી ચૂકવવામાં આવશે. શિષ્યવૃત્તિની રકમ સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર) પદ્ધતિથી જમા કરવામાં આવશે.યોજનાની પાત્રતા મુજબ ધોરણ-10 અથવા ધોરણ-12 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓએ સંબંધિત પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી રહેશે. સ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમો માટે પણ 50 ટકા કે તેથી વધુ ગુણનું ધોરણ જાળવવું ફરજિયાત રહેશે.

સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અરજીથી લઈને મંજૂરી સુધીની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. સાથે જ યોજનાના અમલીકરણ માટે સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશનની વ્યવસ્થા પણ કરવામાં આવશે.રાજ્ય સરકારના આ નિર્ણયથી અનુસૂચિત જાતિના મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વધુ પ્રોત્સાહન મળશે અને શૈક્ષણિક ક્ષેત્રે તેમની ભાગીદારીમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top