ગાંધીનગર,
ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ વિવિધ રાજકીય પક્ષોએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પાર્ટીના કોષાધ્યક્ષ પરિન્દુ ભગત અને અનિલ પટેલેએ ભાજપ વતી રજૂઆત કરી હતી, જ્યારે અમીત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ ગોપાલ ઈટાલીયાએ આમ આદમી પાર્ટી વતી પ્રસ્તાવ સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ભાજપના નેતાઓએ જેપીસી સમક્ષ રજુઆત કરતાં જણાવ્યું હતું કે “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” દેશના લોકશાહી માળખાને વધુ સુવ્યવસ્થિત, કાર્યક્ષમ અને શાસનકેન્દ્રિત બનાવનાર ઐતિહાસિક સુધારો છે. તેમણે જણાવ્યું હતું કે વારંવાર લાગુ પડતી આચારસંહિતા, ચૂંટણી ખર્ચ અને વહીવટી તંત્ર પરનો ભાર ઘટાડવા માટે સમકાલીન ચૂંટણીઓ જરૂરી છે. ભાજપના મતે આ પ્રસ્તાવથી સરકારોને વિકાસ અને સુશાસન પર વધુ કેન્દ્રિત રીતે કાર્ય કરવાની તક મળશે.
ભાજપે વધુમાં દાવો કર્યો હતો કે સમકાલીન ચૂંટણીથી પ્રાદેશિક પક્ષો અથવા સ્થાનિક મુદ્દાઓને કોઈ નુકસાન નહીં થાય, કારણ કે મતદારો રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના મુદ્દાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ કરવાની પરિપક્વતા ધરાવે છે. પક્ષે જણાવ્યું હતું કે 1951થી 1967 દરમિયાન દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી અને વર્તમાન પ્રસ્તાવ એ જ પરંપરાને આધુનિક જોગવાઈઓ સાથે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ છે.
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ જેપીસી સમક્ષ પોતાના પ્રતિભાવો રજૂ કરતા જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની કલ્પના ‘વન નેશન, વન ઇલેક્શન’થી વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું હતું કે વારંવાર થતી ચૂંટણીઓથી સરકારી તંત્રની કાર્યક્ષમતા અને ઔદ્યોગિક ઉત્પાદન પર અસર પડે છે, કારણ કે અન્ય રાજ્યોના શ્રમિકોને મતદાન માટે વારંવાર પોતાના વતનમાં જવું પડે છે.