ગાંધીનગર: ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ દેશના સંઘીય માળખા અને ભારતીય બંધારણની મૂળ ભાવનાના વિરુદ્ધ છે. બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ રાજ્ય સરકાર સમય પહેલા પડી જાય તો ત્યાં માત્ર બાકી રહેલા સમયગાળા માટે જ ચૂંટણી યોજાશે. આ બાબત બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે રજૂ કરેલા સિદ્ધાંતોની વિરુદ્ધ છે. મતદારો પાંચ વર્ષ માટે સંપૂર્ણ સરકાર પસંદ કરે છે, અડધા કાર્યકાળ માટે નહીં. આવી જોગવાઈથી લોકશાહી વ્યવસ્થાની સ્થિરતા પર અસર પડશે, તેમ કહીને ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલનો કોંગ્રેસએ વિરોધ કર્યો હતો.
ગાંધીનગર ખાતે યોજાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર પર સત્તાના કેન્દ્રીકરણનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે ચૂંટણી પાછળ થતો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારોના કુલ બજેટની સરખામણીએ ખૂબ ઓછો છે. બીજી તરફ દેશભરમાં એકસાથે ચૂંટણી યોજવા માટે વિશાળ સુરક્ષા બંદોબસ્ત, નવા ઇવીએમ અને વીવીપેટ મશીનોની ખરીદી સહિત અબજો રૂપિયાનો ખર્ચ કરવો પડશે, જે વ્યવહારિક અને આર્થિક રીતે યોગ્ય નથી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવાથી રાજ્યના સ્થાનિક પ્રશ્નો દબાઈ જશે અને મતદારો માટે અલગ-અલગ સરકારોના કાર્યનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ બનશે. આથી રાજ્ય સરકારોની સ્વાયત્તતા પર પણ અસર પડશે. આચાર સંહિતાને કારણે વિકાસ કાર્યો અટકી જાય છે તે દલીલને પણ કોંગ્રેસે નકારી કાઢી હતી. પૂર્વ મંજૂર થયેલા કામો અને નિર્ણયો આચારસંહિતાના કારણે અટકતા નથી.
બીજી તરફ કોંગ્રેસે આ પ્રસ્તાવનો કડક વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે “વન નેશન, વન ઇલેક્શન” બંધારણના મૂળભૂત માળખા અને સંઘીય વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. ગુજરાત કોંગીના અધ્યક્ષ અમીત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રસ્તાવ પાછળ સત્તાના કેન્દ્રીકરણનો છુપો એજન્ડા છે અને તે રાજ્ય સરકારોની સ્વાયત્તતા ઘટાડવાનો પ્રયાસ કરે છે.કોંગ્રેસે દલીલ કરી હતી કે જો કોઈ રાજ્ય સરકાર સમય પહેલાં પડી જાય તો બાકીના સમયગાળા માટે જ ચૂંટણી યોજવાની જોગવાઈ લોકશાહી સિદ્ધાંતોના વિરુદ્ધ છે. સાથે જ સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજવા માટે નવા EVM અને VVPAT મશીનો સહિતના ખર્ચને પણ આર્થિક રીતે અયોગ્ય ગણાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ પણ પ્રસ્તાવનો વિરોધ કરતા જણાવ્યું હતું કે “વન નેશન, વન ઇલેક્શન”થી રાજ્યના મુદ્દાઓ દબાઈ જશે. તેમણે જણાવ્યું હતું કે પહેલા દેશમાં “વન નેશન, વન એજ્યુકેશન”, “વન નેશન, વન હેલ્થ” અને “વન નેશન, વન સર્વિસ” જેવી વ્યવસ્થાઓ અમલમાં લાવવી જોઈએ. ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે એકસાથે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા માટે પૂરતી વ્યવસ્થાઓ દેશની હજારો શાળાઓમાં ઉપલબ્ધ નથી. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણીના કારણે વિકાસકાર્યો અટકતા નથી, પરંતુ રાજકીય નેતાઓની સભાઓ અને રેલીઓના કારણે સરકારી તંત્ર વ્યસ્ત રહે છે.જેપીસી સમક્ષ વિવિધ પક્ષોએ પોતાના લેખિત અભિપ્રાયો અને સૂચનો પણ રજૂ કર્યા હતા. હવે સમિતિ આ તમામ સૂચનોના આધારે આગામી પ્રક્રિયા હાથ ધરશે.