ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં કોમર્શિયલ અને D-PNG ગેસની ઉપલબ્ધતા તેમજ નવા ગેસ જોડાણોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક બાદ માહિતી આપતા કેબીનેટ પ્રવકત્તા અને સીનીયર મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વૈશ્વિક કટોકટી વચ્ચે પણ રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોને ઘરવપરાશ માટે D-PNG ગેસ સરળતાથી મળી રહે તે માટે ઝડપી કામગીરી કરી રહી છે. ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા 1 માર્ચથી 17 મે દરમિયાન 40 હજાર નવા D-PNG ગેસ કનેક્શન તેમજ 13 હજાર પુનઃ જોડાણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 500 નવા વેપારી ગેસ જોડાણ પણ આપવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ગુજરાત એનર્જી લિમિટેડ સહિત તમામ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ દ્વારા મળીને આશરે 85 હજાર D-PNG ગેસ કનેક્શન તથા 1,100 કોમર્શિયલ જોડાણ આપવામાં આવ્યા છે. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ-કોલેજ અને ફેક્ટરી કેન્ટીન જેવી જનસેવા સાથે જોડાયેલી સંસ્થાઓને પ્રાથમિકતાના ધોરણે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા આવી 110 સંસ્થાઓને અને અન્ય કંપનીઓ દ્વારા 225 સંસ્થાઓને ગેસ જોડાણ આપવામાં આવ્યા છે.
મોરબીના સિરામિક ઉદ્યોગ અંગે તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક પરિસ્થિતિ અને મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પણ રાજ્ય સરકારે ગેસ સપ્લાય અવિરત રહે તે માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરી છે. ગત માર્ચ મહિનાના અંતે મોરબીમાં માત્ર 83 કારખાના કાર્યરત હતા, જ્યારે રાજ્ય સરકાર અને ગુજરાત એનર્જી લિમિટેડના પ્રયાસોથી દોઢ મહિનામાં જ આ સંખ્યા વધીને 670થી વધુ થઈ ગઈ છે.હાલમાં મોરબીના અંદાજે 865 ઔદ્યોગિક એકમો ગુજરાત એનર્જી લિમિટેડના ગેસ પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વાઘાણીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ મધ્ય પૂર્વ સિવાયના દેશોમાંથી કુદરતી ગેસની ખરીદી કરીને ગેસ સપ્લાય જાળવવામાં આવ્યો છે. સાથે જ મોરબી સિરામિક એસોસિએશન સાથે બેઠક યોજી મે મહિના દરમિયાન ગેસના ભાવ સ્થિર રાખવાની ખાતરી પણ આપવામાં આવી છે. જેના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગોમાં ફરી ગતિ આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.