Vadodara

વડોદરામાં મતદાન પૂર્વે પોલીસનો ફૂલપ્રૂફ બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ

ડીસીપી ઝોન-1 સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નવા યાર્ડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, નાગરિકોને વધુ મતદાન માટે અપીલ
વડોદરા તા.25
વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત પડ્યા બાદ હવે આવતીકાલે 26 એપ્રિલે મતદાન યોજાવાનું છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવાયો છે.

વડોદરા શહેરમાં આવતીકાલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ તેમજ સીઆરપીએફની ટીમ દ્વારા ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યા છે.
આજ રોજ ડીસીપી ઝોન-1, એસીપી એ ડિવિઝન સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નવા યાર્ડ વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પોલીસે વિસ્તારના લોકોને વિશ્વાસમાં લેતા શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ કરી હતી અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.
પોલીસ દ્વારા શહેરના ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ પણ કડક બનાવવામાં આવ્યું છે, જેથી કોઈ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી શકાય. સાથે જ મહત્વપૂર્ણ વિસ્તારોમાં સીસીટીવી મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે.
ડીસીપી દ્વારા નાગરિકોને લોકશાહી પર્વમાં વધુંમાં વધું ભાગ લેવા અને નિર્ભયપણે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પોલીસના મજબૂત બંદોબસ્ત વચ્ચે વડોદરામાં મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થશે.

Most Popular

To Top