ઝાલોદથી પરત ફરી રહેલા દંપતીને કુંડલા ચોકડી પાસે અકસ્માત
નંબર પ્લેટ વગરની બાઇકચાલક સામે ગુનો નોંધાયો, પોલીસ તપાસ શરૂ
સુખસર, તા. 25 (પ્રતિનિધિ)
સુખસર તાલુકાના લખણપુર ગામ નજીક કુંડલા ચોકડી પાસે બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 30 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ રાવળના વરુણા ગામના મુકેશભાઈ ભીખાભાઈ કટારા પોતાના પુત્રને સારવાર માટે ઝાલોદ લઈ ગયા બાદ પત્ની ગીતાબેન, પુત્ર દીપકભાઈ અને કુટુંબી દિલીપભાઈ સાથે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન લખણપુર નજીક કુંડલા ચોકડી પાસે સામેથી આવી રહેલી નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઇક સાથે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે ગીતાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે દીપકભાઈને ચહેરા અને આંખ પાસે ઇજા થઈ હતી. દિલીપભાઈને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન શુક્રવારે ગીતાબેનનું મોત નિપજ્યું હતું.
આ અકસ્માત માટે જવાબદાર સ્પ્લેન્ડર બાઇકચાલક મોરવા હડફ તાલુકાના ભંડોઇ ગામનો હોવાનું સામે આવ્યું છે. મૃતકના પતિ મુકેશભાઈ કટારાની ફરિયાદના આધારે સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર: બાબુભાઈ સોલંકી