Gujarat

ખાતરની અછત, ભાવવધારો – “આત્મનિર્ભર ભારત” કૃષિ ક્ષેત્રે નિષ્ફળ – ડૉ. મનીષ દોશી

ઘરેલુ યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનું ઉત્પાદન ક્ષમતા વધારવા તાત્કાલિક પગલા લેવામાં આવે

અમદાવાદ

ડાય એમોનિયમ ફોસ્ફેટ (DAP) અને નાઈટ્રોજન ફોસ્ફરસ – પોટેશ્યમ-K (NPK) પાયાનું ખાતર છે. જયારે યુરીયા પુરક ખાતર છે. એક તરફ ખાતરના ઉત્પાદનમાં ઘટાડો, સરકાર તરફથી સબસીડીમાં ઘટાડો અને બીજી તરફ ખેડૂતો માટે સીઝન સમયે જરૂરી ખાતર મેળવવા કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે અને કાળા બજારીયાઓ બેફામ છે. ત્યારે ભાજપ સરકારનો મોટો દાવો કરેલો “આત્મનિર્ભર ભારત” કૃષિ ક્ષેત્રમાં હવે ખાલી સ્લોગન સાબિત થયો છે, તેવું પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.

ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતુ કે ભારત હજુ પણ ખાતરમાં ભારે આયાત પર આધારિત છે. કુલ NPK માંગના માત્ર ૬૫-૭૦% જ ઘરેલુ ઉત્પાદન દ્વારા પૂર્ણ થાય છે, જ્યારે બાકીના ૩૦-૩૫% અસ્થિર વૈશ્વિક બજારો પર આધારિત છે. કુલ ખાતરનો વપરાશ ૨૮.૫% વધીને ૨૦૧૪-૧૫માં ૨૫.૬ મિલિયન ટનથી ૨૦૨૪-૨૫માં ૩૨.૯ મિલિયન ટન થયો છે. નાઈટ્રોજનસ ખાતર (વપરાશનો મુખ્ય ભાગ ૨૨+ મિલિયન ટન) હજુ પણ ભારે આયાત પર આધારિત છે. ફોસ્ફેટિક ખાતરમાં ૩૦-૪૦% આયાતનો અંતર છે. પોટાશ, ૧૦૦% આયાત પર આધારિત (વાર્ષિક સરેરાશ ૨.૫ મિલિયન ટન) કેનેડા, રશિયા, ઇઝરાયેલ અને જોર્ડન પરથી છે. ૨૦૨૬ની ખરીફ સીઝન માટે ૩૯ મિલિયન ટન માંગ છે, જ્યારે વર્તમાન સ્ટોક માત્ર ૧૮ મિલિયન ટન જ છે આ ખતરનાક અંતર છે. લાંબા ગાળાના આત્મનિર્ભરતાને બદલે કેન્દ્ર સરકાર ઇમરજન્સી આયાત, સબસિડી વધારવા અને હોર્ડિંગ વિરુદ્ધ આદેશો જારી કરી રહી છે. આ નીતિ નથી, માત્ર કટોકટી વ્યવસ્થાપન છે.

કેન્દ્રીની ભાજપ સરકારે ખાતરની સબસીડી મેટ્રિક ટન દીઠ ફિક્સ કરી દેતા ડોલરનું ભાવ વધારો થાય તેનું માર ખેડૂતોને ભોગવવો પડે છે. છેલ્લા બે વર્ષથી સરકાર યુરિયામાં નેનો યુરીયા લાવેલ છે. પરંતુ તે પાક માટે ગુણવત્તા યુક્ત અને અસરકારક નથી. છેલ્લા બે વર્ષમાં ખરીફ અને રવિ એમ બંને સિઝનમાં ડીએપી અને યુરિયા ગુજરાતના ખેડૂતોને મળતું નથી. આથી ખેડૂતોને ખેતીના પાકમાં અપૂરતા ખાતરથી નુકસાન થઇ રહ્યું છે. ખરીફ સીઝન માટે ખાતરના ભાવ તરત જ સ્થિર કરો. ઘરેલુ યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનું ઉત્પાદન ક્ષમતા વધારવા તાત્કાલિક પગલાં લો. ખેડૂતોની સમસ્યાઓ માત્ર આંકડા નથી તે રાષ્ટ્રીય કટોકટી છે. કોંગ્રેસ પક્ષ ગુજરાતના ખેડૂતોની સાથે છે અને આ સંકટને કાર્પેટ નીચે દબાવવા દઈશું નહીં.

Most Popular

To Top