પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરવાનો કોઈ પ્લાન નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર પાસે હાલ ઇંધણના ભાવ વધારાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી અને લોકો અફવાઓથી ગભરાય નહીં. મંત્રાલયે X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની વાતો ફેક છે. આવા ભ્રામક સમાચાર લોકોમાં ડર અને ગભરાટ ફેલાવવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે.
સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવા સમાચાર પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર માહિતી પર જ આધાર રાખે. સરકારે વધુમાં જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઉતાર-ચઢાવ હોવા છતાં, સરકાર અને ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતા પર વધારાનો બોજ ન પડે તે માટે પ્રયત્નો કર્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની કોઈ શક્યતા નથી અને લોકો અફવાઓથી દૂર રહીને શાંતિ જાળવે.