ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આગામી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝનનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. નવા સીઝનમાં દેશભરમાં કુલ 1788 ડોમેસ્ટિક મેચ રમાશે. આ સીઝનની શરૂઆત 23 ઓગસ્ટ 2026થી દલીપ ટ્રોફી સાથે થશે. BCCIએ ગુરુવારે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં આ વખતે પણ રણજી ટ્રોફી મુખ્ય આકર્ષણ રહેશે. રણજી ટ્રોફી 11 ઓક્ટોબરથી શરૂ થશે અને પાછલી સીઝનની જેમ આ વખતે પણ બે તબક્કામાં રમાશે. પ્રથમ તબક્કો ઓક્ટોબર-નવેમ્બર 2026 દરમિયાન યોજાશે, જ્યારે બીજો તબક્કો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2027માં રમાશે. રણજી ટ્રોફીમાં આ વખતે 32 ટીમોનો એલિટ ગ્રુપ રહેશે, જ્યારે 6 ટીમો પ્લેટ ગ્રુપમાં ભાગ લેશે. ગત સીઝનમાં જમ્મુ-કાશ્મીરની ટીમે ઈતિહાસ રચતા પોતાનું પ્રથમ રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું હતું. હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે જમ્મુ-કાશ્મીરની ટીમ 1 ઓક્ટોબરથી રમાનારી ઈરાની કપમાં ‘રેસ્ટ ઓફ ઇન્ડિયા’ સામે ટકરાશે.
દિલીપ ટ્રોફી બાદ તરત જ ઈરાની કપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ હંમેશાની જેમ ડોમેસ્ટિક ક્રિકેટમાં ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તેમાં રણજી ચેમ્પિયન અને દેશના શ્રેષ્ઠ ખેલાડીઓથી બનેલી ‘રેસ્ટ ઓફ ઇન્ડિયા’ ટીમ વચ્ચે મુકાબલો થાય છે. રણજી ટ્રોફી વચ્ચે સિનિયર મેન્સ T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વન-ડે ફોર્મેટની વિજય હઝારે ટ્રોફી પણ રમાશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ખાસ કરીને યુવા ખેલાડીઓ માટે IPL સુધી પહોંચવાનો મોટો રસ્તો માનવામાં આવે છે. ગત સીઝનમાં ઈશાન કિશનની આગેવાની હેઠળ ઝારખંડે પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી. મહિલા ક્રિકેટ માટે પણ BCCIએ વ્યસ્ત શેડ્યૂલ તૈયાર કર્યું છે. મહિલા ડોમેસ્ટિક સીઝનની શરૂઆત ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન સિનિયર મહિલા T20 ટ્રોફીથી થશે. ત્યારબાદ ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ઇન્ટર-ઝોનલ ટ્રોફી અને મહિલા વન-ડે ટ્રોફી રમાશે. અંડર-એજ ટૂર્નામેન્ટ્સ પણ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન યોજાશે. ગત સીઝનમાં મહારાષ્ટ્ર મહિલા ટીમે સિનિયર મહિલા T20 ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો અને હવે નવી સીઝનમાં પણ તેમની પર ખાસ નજર રહેશે.
આ વખતે BCCIએ એક નવી સ્પર્ધા પણ ઉમેરેલી છે. સીકે નાયડુ ટ્રોફીની વિજેતા ટીમ હવે ‘રેસ્ટ ઓફ ઇન્ડિયા’ સામે મેચ રમશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અંડર-23 ખેલાડીઓને વધુ સ્પર્ધાત્મક ક્રિકેટનો અનુભવ આપવાનો છે. માનવામાં આવે છે કે આ પગલું યુવા ખેલાડીઓના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ સિવાય પુરુષ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી અને યુનિવર્સિટી લેવલ પર રમાતી વિઝી ટ્રોફીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ બંને ટૂર્નામેન્ટ વન-ડેને બદલે T20 ફોર્મેટમાં રમાશે. BCCIનું માનવું છે કે બદલાતા ક્રિકેટ ફોર્મેટ અને T20 ક્રિકેટની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવામાનને ધ્યાનમાં રાખીને પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જાન્યુઆરી મહિનામાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ઠંડી અને ખરાબ હવામાન રહેતું હોવાથી અંડર-19 કૂચ બિહાર ટ્રોફીની તમામ એલિટ ગ્રુપ મેચો હવે બેંગલુરુ અને મૈસૂરમાં રમાશે. ઉપરાંત અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીને પણ નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે ખસેડવામાં આવી છે. આ સમગ્ર શેડ્યૂલ પરથી સ્પષ્ટ થાય છે કે BCCI આગામી સીઝનમાં વધુ સ્પર્ધાત્મક અને સુવ્યવસ્થિત ડોમેસ્ટિક ક્રિકેટ માળખું ઉભું કરવા માગે છે, જેથી યુવા ખેલાડીઓને આગળ વધવા માટે વધુ સારી તક મળી શકે.