Gujarat

જુનાગઢના જે.કે. સ્વામી એન્ડ કંપનીનો કરોડોનો જમીન કૌભાંડ!

BJP ના કોર્પોરેટર સાથે ₹1.34 કરોડની છેતરપિંડીમાં CID ક્રાઈમની કાર્યવાહી

જુનાગઢ સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા કહેવાતા જે.કે. સ્વામી એન્ડ કંપની સામે કરોડો રૂપિયાના જમીન સોદા અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો વચ્ચે હવે CID ક્રાઈમે તપાસ તેજ બનાવી છે. ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી સાથે ₹1.34 કરોડની છેતરપિંડી કરનાર ટોળકીના મુખ્ય આરોપી અમિત પંચાલને CID ક્રાઈમે અમદાવાદમાંથી ઝડપી લીધો છે.
આ સમગ્ર મામલો સ્વામિનારાયણ સંપ્રદાયના નામે મંદિર, ગૌશાળા અને ગુરુકુળના વિશાળ પ્રોજેક્ટની આડમાં ખેડુતોની જમીન ખરીદવાની અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો હોવાનું બહાર આવ્યું છે.

મંદિર અને ગુરુકુળના નામે 700 વિંધા જમીન ખરીદવાની સ્કીમ
ફરિયાદ મુજબ, આણંદ જિલ્લાના રીઝા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશાળ મંદિર, ગૌશાળા અને ગુરુકુળ બનાવવાનો પ્રોજેક્ટ બતાવી 700 વિંધા જમીન ખરીદવાની વાત કરવામાં આવી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે જો મંદિર સીધું જમીન ખરીદશે તો ખેડૂતો ભાવ વધારી દેશે, તેથી વિશ્વાસુ લોકો મારફતે જમીન ખરીદવાની યોજના ઘડી હતી. ખેડૂતો પાસેથી પ્રતિ વિંધા અંદાજે ₹6 લાખના ભાવે જમીન ખરીદીને મંદિરને ₹10 થી ₹12 લાખના ભાવે વેચવાની વાત કહી ભારે નફાનો લાલચ અપાયો હતો.

ભાજપના કોર્પોરેટર પણ બન્યા શિકાર
સુરતના ભટાર સુયોગનગરમાં રહેતા હિમાંશુ પ્રવિણસિંહ રાઉલજી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર છે અને ફાઇનાન્સિયલ સોલ્યુશન નામે લોન એડવાઈઝર તરીકે પણ કાર્ય કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2014માં ફેસબુક મારફતે અમદાવાદના મૌલિક પરમાર સાથે સંપર્ક થયો હતો. મૌલિકે તેમને આ જમીન સોદાની ઓફર આપી હતી. ત્યારબાદ હિમાંશુ રાઉલજી અને તેમના મિત્ર રાજેશ જરીવાલાને જુનાગઢ બોલાવી સોમનાથ રોડ પર આવેલા આશ્રમમાં જે.કે. સ્વામી ઉર્ફે જયકૃષ્ણ સ્વામી અને તેના પીએ ભરત પટેલ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી.સ્વામીએ તેમને અમદાવાદના સુરેશ ભરવાડ સાથે મળવા કહ્યું હતું. બાદમાં હોટલમાં બેઠક યોજાઈ અને જમીન સોદા માટે એમઓયુ કરવાની ચર્ચા થઈ હતી.

₹71 લાખ રોકડા સહિત કરોડોનું પેમેન્ટ
આરોપીઓની વાતોમાં વિશ્વાસમાં આવી હિમાંશુ રાઉલજીએ સુરેશ ભરવાડ અને તેના સાગરિતો સાથે જમીન સોદો કરવા મંજૂરી આપી હતી. પ્રતિ વિંધા ₹5.73 લાખનો ભાવ નક્કી કરી એમઓયુ કરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ ₹71 લાખ રોકડ ચૂકવાયા હતા જ્યારે બાકીની રકમ બેન્ક ટ્રાન્ઝેક્શન મારફતે આપવામાં આવી હતી. જમીનની એમઓયુની નકલ જે.કે. સ્વામીને મોકલવામાં આવી હતી.સ્વામીએ વાયદો કર્યો હતો કે 10 દિવસમાં વેચાણની 25 ટકા રકમ ચૂકવવામાં આવશે, પરંતુ ત્યારબાદ જે.કે. સ્વામી સહિતના આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

8 વર્ષ સુધી સમાધાનના બહાના, આખરે ફરિયાદ
ફરિયાદમાં જણાવાયું છે કે શરૂઆતમાં મામલો સમાધાનથી ઉકેલવાની કોશિશ ચાલી હતી અને મધ્યસ્થીઓ મારફતે લગભગ 8 વર્ષ સુધી વાતચીત ચાલતી રહી. જોકે અંતે કોઈ નિકાલ ન આવતા જુલાઈ 2024માં ₹1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ કેસમાં જે.કે. સ્વામી ઉર્ફે જયકૃષ્ણ સ્વામી, સુરેશ શાર્દુલ ભરવાડ, અમિત પંચાલ, રમેશ પંચાલ, ભરત પટેલ, મૌલિક પરમાર અને પાર્થ ઉર્ફે મંસુર સહિતના લોકો સામે ગુનો નોંધાયો હતો.

CID ક્રાઈમની મોટી કાર્યવાહી, અમિત પંચાલ ઝડપાયો
લાંબા સમયથી તપાસ ચલાવી રહેલી CID ક્રાઈમે હવે અમદાવાદના ખોડિયારનગર ચાંદલોડિયામાં રહેતા અમિત રમેશ પંચાલની ધરપકડ કરી છે. તપાસ એજન્સી હવે સમગ્ર ગેંગ, નાણાંની લેવડદેવડ અને જમીન સોદાના દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

“ધર્મના કામ”ના નામે વિશ્વાસ જીત્યો
ફરિયાદ મુજબ શરૂઆતમાં હિમાંશુ રાઉલજીને પણ સોદામાં ગડબડની શંકા ગઈ હતી. સુરેશ ભરવાડની વાતો ગળે નહીં ઉતરતાં તેઓ સોદામાંથી બહાર નીકળવા માંગતા હતા.પરંતુ ત્યારબાદ જે.કે. સ્વામી સુરત આવ્યા હતા અને “ધર્મના કાર્યમાં તમારી મદદની જરૂર છે” કહી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો.સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે સંસ્થા સીધી જમીન ખરીદશે તો પ્રતિ વિંધા ₹25 થી ₹30 લાખ સુધી ચુકવવા પડશે, જ્યારે આ રીતે સોદો કરવાથી ટ્રસ્ટનું બજેટ બચશે. વધુમાં નફા સાથે પ્રોજેક્ટમાં ટ્રસ્ટી બનાવવાની લાલચ પણ આપવામાં આવી હતી. હાલ CID ક્રાઈમ સમગ્ર કૌભાંડમાં અન્ય આરોપીઓની ભૂમિકા અને નાણાકીય ટ્રેલની તપાસ કરી રહી છે.

Most Popular

To Top