India

નવી કાર ખરીદવાનો પ્લાન છે? તો 1 જૂન પહેલાં કરો બુકિંગ, Maruti Suzukiની કાર 30 હજાર સુધી મોંઘી થશે

પહેલા પેટ્રોલ, પછી દવા અને હવે દેશમાં વધતી મોંઘવારી વચ્ચે હવે ઓટોમોબાઈલ સેક્ટરમાંથી પણ ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે 1 જૂન 2026થી તેના વિવિધ કાર મોડેલોના ભાવમાં વધારો કરવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે અલગ-અલગ મોડેલ મુજબ 30,000 સુધીનો વધારો થઈ શકે છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પહેલેથી જ લોકો વધતી મોંઘવારીથી પરેશાન છે. હવે નવી કાર ખરીદવાનું સપનું જોતા ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડી શકે છે. મારુતિ સુઝુકી દેશની સૌથી વધુ વેચાતી કાર કંપની હોવાથી આ વધારાનો સીધો અસર લાખો ગ્રાહકો પર પડી શકે છે.

કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી ખર્ચ ઘટાડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ કાચા માલના ભાવમાં સતત વધારો, ઉત્પાદન ખર્ચમાં વધારો અને અન્ય ઓપરેશનલ ખર્ચ વધતા હવે કંપની પર આર્થિક દબાણ વધી ગયું છે. કંપનીના જણાવ્યા મુજબ હાલ બજારમાં ખર્ચનો માહોલ ખૂબ જ પડકારજનક બન્યો છે. આવી સ્થિતિમાં કંપની માટે તમામ વધેલો ખર્ચ પોતે સહન કરવો મુશ્કેલ બન્યો છે. તેથી હવે આ ખર્ચનો થોડો ભાગ ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે કંપનીએ કહ્યું છે કે ગ્રાહકો પર ઓછામાં ઓછી અસર પડે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર મારુતિ સુઝુકીના લગભગ તમામ મોડેલમાં ભાવ વધારો થવાનો છે. એટલે કે એન્ટ્રી લેવલ કારથી લઈને પ્રીમિયમ મોડેલ સુધી દરેક સેગમેન્ટના ગ્રાહકોને તેની અસર અનુભવવી પડશે. હાલ કંપનીની સૌથી સસ્તી કાર S-Pressoની કિંમત લગભગ 3.49 લાખથી શરૂ થાય છે, જ્યારે પ્રીમિયમ MPV Invictoની કિંમત 28.7 લાખ સુધી જાય છે. થોડા સમય પહેલા GST દરોમાં ફેરફાર બાદ કંપનીએ કેટલાક મોડેલના ભાવમાં ઘટાડો કર્યો હતો. ખાસ કરીને S-Presso ના ભાવમાં લગભગ 1.29 લાખ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ફરી એકવાર વધતા ઉત્પાદન ખર્ચને કારણે કંપનીએ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.

કંપનીની સૌથી લોકપ્રિય કારોમાં સામેલ Alto K10, Celerio અને Wagon R ના ભાવમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. માહિતી મુજબ Alto K10 ના ભાવમાં લગભગ 1.07 લાખથી વધુનો વધારો નોંધાયો હતો. જ્યારે Celerio ના ભાવમાં લગભગ 94,100 અને Wagon Rમાં 79,600 સુધીનો વધારો જોવા મળ્યો હતો. હવે 1 જૂનથી ફરી નવા ભાવ લાગુ થવાના કારણે ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડશે. જોકે કંપનીએ હજુ સુધી દરેક મોડેલ માટે કેટલો ચોક્કસ વધારો થશે તેની સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં કંપની દ્વારા નવી પ્રાઇસ લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે.

ઓટોમોબાઈલ નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય કાચા માલના ભાવમાં વધારો થયો છે. સાથે જ લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી રહ્યા છે. જેના કારણે લગભગ તમામ કાર કંપનીઓ પર ખર્ચનું દબાણ વધી રહ્યું છે. જો તમે નજીકના સમયમાં નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો 1 જૂન પહેલાં બુકિંગ કરાવી લેશો તો વધુ ફાયદાકારક બની શકે છે. કારણ કે ભાવ વધારો લાગુ થયા બાદ ગ્રાહકોને સીધી અસર સહન કરવી પડશે. વધતી મોંઘવારી વચ્ચે હવે ઓટોમોબાઈલ માર્કેટમાં પણ ખર્ચ વધવાનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો માટે નવી કાર ખરીદવી વધુ મોંઘી બનવાની શક્યતા છે.

Most Popular

To Top