National

વિપક્ષનો હંગામો: જંતર-મંતર જઈ રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોની પોલીસે અટકાયત કરી

વિપક્ષી પક્ષો આજે પણ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાહુલ ગાંધી સહિત ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધનના નેતાઓ બસ દ્વારા જંતર-મંતર જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ પોલીસે રાહુલ અને પ્રિયંકાને બસમાંથી નીચે ઉતાર્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વિરોધ કરતા રસ્તા પર સુઈ ગયા હતા. ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ છે અને વિરોધ પ્રદર્શન કરનારાઓની અટકાયત કરવામાં આવી રહી છે. પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરી હતી.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવા માટે તમામ સાંસદો જંતર-મંતર પર ધરણાં કરશે. તેમણે કહ્યું, “અમે દેશ સુધી અમારો સંદેશ પહોંચાડીશું. અમે જણાવીશું કે કેવી રીતે ૩૦૦ સાંસદોને ચૂંટણી પંચની મુલાકાત લેતા અટકાવવામાં આવ્યા હતા.”

જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા બાબતે રાહુલ ગાંધી મક્કમ છે. પોલીસ અધિકારીઓ તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન પ્રિયંકા રસ્તા પર સૂઈ ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે સાંસદોને માર મારવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં રાહુલ અને પ્રિયંકાની સાથે અન્ય વિપક્ષી સાંસદો પણ હાજર છે. રાહુલે ભારપૂર્વક કહ્યું, “જ્ઞાનેશ કુમાર કાયદેસરના ચૂંટણી કમિશનર નથી; તેમણે પદ છોડવું જ જોઈએ.”

વિપક્ષી પક્ષોએ મંગળવારે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે દિવસે પોલીસે સંસદ માર્ગ પર, નીતિ આયોગ અને આકાશવાણી ભવનની ઇમારતોની સામે વિપક્ષી સાંસદોને અટકાવ્યા હતા. ત્યારબાદ સાંસદો વિરોધમાં રસ્તા પર બેસી ગયા હતા અને થોડીવાર પછી પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના ઘણા સાંસદોની અટકાયત કરી હતી. જોકે તે જ રાત્રે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top