ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વેપાર કરાર માટે વાટાઘાટો ચાલી રહી છે પરંતુ હાલમાં ફરીથી એવા સંકેતો મળી રહ્યા છે કે ફરી મડાગાંઠ સર્જાઇ છે, વાટાઘાટો અટકી પડી છે અને નજીકના ભવિષ્યમાં વેપાર કરાર થઇ શકે તેમ નથી. બંને દેશોના અધિકારીઓએ જણાવ્યું છે કે આખરી કરાર નજીકના ભવિષ્યમાં થવાની શક્યતા નથી. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ(USTR) જેમીસન ગ્રીઅરે પુષ્ટિ કરી હતી કે ચાલુ વાટાઘાટો છતાં અમેરિકા વેપાર કરારને તાત્કાલિક આખરી ઓપ આપવા માટે તૈયાર નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ ચાલે છે પરંતુ આ વાટાઘાટો હવે એવા તબક્કે પહોંચી છે કે જ્યાં વધુ છૂટછાટો હવે અશક્ય છે.
નવી દિલ્હીમાં મ્યુનિક લીડર્સ મીટિંગમાં બોલતા, સીતારામને આ કરાર, જે હજુ આખરી ઓપ આપવાનો બાકી છે, તેને કઠિન ગણાવ્યો હતો. જો કે સાથે જ કહ્યું હતું કે “વાટાઘાટો હજુ પણ ચાલુ છે. જો કે અમને લાગે છે કે બંને પક્ષો એક એવા તબક્કે પહોંચ્યા છે જેનાથી આગળ કંઈ આપવું કે લેવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે, એ મુજબ તેમણે કહ્યું હતું. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે બંને પક્ષો વાટાઘાટો માટે બાકી રહેલી કોઈ પણ શક્યતા ચકાસી શકે છે. સીતારામને કહ્યું કે વેપાર સંતુલન ભારતની તરફેણમાં છે અને વોશિંગ્ટન તેની ખાધ ઘટાડવા માંગે છે. તેમના મૂલ્યાંકન મુજબ, અમેરિકા અગાઉનાં વર્ષોમાં થયેલા નુકસાનને સરભર કરવા માટે છૂટછાટો માંગી રહ્યું હતું અને સ્વાભાવિક રીતે ભારત આ પ્રકારની છૂટછાટો આપવા બહુ ઉત્સુક નહીં જ હોય.
આમ તો પૂર્ણ કક્ષાના વેપાર કરાર પહેલાં વચગાળાનો વેપાર કરાર કરવા બંને દેશો સહમત થયા હતા. બંને દેશો વચ્ચે તે અગાઉ પણ ઘણી મડાગાંઠ સર્જાઇ હતી. ત્યાર બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાના વેપાર કરારની જાહેરાત કરાઇ અને પછી તેમાં આગળ વધવા વાટાઘાટો શરૂ કરાઇ. બંને દેશો વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ યોજાઇ ચૂક્યા છે. આ વાટાઘાટો ફેબ્રુઆરી 2026માં જાહેર કરાયેલ વચગાળાના વેપાર કરારના માળખાને અનુસરે છે.
ફેબ્રુઆરી 7ના રોજ ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા પ્રકાશિત સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો ચાલુ રાખીને તે સમજૂતીને આખરી ઓપ આપવાની દિશામાં કામ કરશે. તે વાટાઘાટો 13 ફેબ્રુઆરી, 2025ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાવવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ, વચગાળાના વેપાર કરારના માળખા પર કામ કરવા માટે ભારતીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ઓક્ટોબર ૨૦૨૬ના પ્રારંભ સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં બેઠકો યોજી હતી.
બંને દેશો વચ્ચે અધિકારી કક્ષાના પણ મંત્રણાના અનેક રાઉન્ડ યોજાઇ ચૂકયા છે છતાં હજી કોઇ નક્કર પરિણામ આવતું નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારત આ કરારને પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને ઓપ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે અને અમેરિકામાં, ખાસ કરીને ટ્રમ્પ તંત્ર અમેરિકી હિતોના નામે અમુક સખત શરતો મૂકી રહેલું જણાય છે.
ભારત અમેરિકા કરારની આડે આવતી કેટલીક બાબતોમાં એક મુખ્ય વિવાદિત મુદ્દો ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદી છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને રશિયાથી સસ્તું ઓઇલ ખરીદે છે અને અમેરિકા આને યુક્રેન યુદ્ધમાં મદદ કરનાર પરિબળ તરીકે જુએ છે. અમેરિકા યુરોપિયન દેશો અને ભારત માટે જુદા જુદા માપદંડો રાખે છે તેની સામે પણ ભારતનો વિરોધ છે. પ્રમુખ ટ્રમ્પે એક કાયદા (લિન્ડસે ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ ૨૦૨૬) પર હસ્તાક્ષર કર્યા છે, જે મોટી માત્રામાં રશિયન તેલ ખરીદતા દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ (જકાત) લાદવાની મંજૂરી આપે છે, જેનાથી નવી દિલ્હીની ઊર્જા અને વેપાર નીતિ પર દબાણ ઊભું થયું છે અને આ બાબત વેપાર કરારમાં પણ નડી રહી છે.
આ ઉપરાંત ટેરિફ અને માર્કેટ એક્સેસ અંગેના વિવાદો પણ છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં બંને પક્ષોએ વચગાળાના વેપાર માળખાની જાહેરાત કરી હોવા છતાં, ત્યાર બાદ અમેરિકા દ્વારા કરાયેલા ટેરિફ એડજસ્ટમેન્ટ, સેક્શન ૩૦૧ હેઠળની તપાસ અને દ્વિપક્ષીય વેપાર ખાધને સંતુલિત કરવાની ચર્ચાને કારણે કરારના અમલીકરણની ગતિ ધીમી પડી છે. હવે આ બધી બાબતો અને હાલનો ઘટનાક્રમ જોતાં એવી શંકા ઊભી થઇ રહી છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર ખરેખર અમલી બની શકશે? જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી તો અનિશ્ચિતતા જ રહેશે એમ લાગે છે.