ભરચક વિસ્તારમાં લાકડીઓ અને દંડા ઉછળ્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠતા ગંભીર સવાલો, અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા લોકમાંગ
(પ્રતિનિધિ), વડોદરા. તા.22
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પોશ અને હરહંમેશ ટ્રાફિકથી ધમધમતા ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલ પાસે જાહેર રસ્તા પર જ બે જૂથો વચ્ચે મારામારી થઈ હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. રસ્તા વચ્ચે લોકોની હાજરીમાં અસામાજિક તત્વોએ પોલીસના ખોફ વગર એકબીજા પર લાકડીઓ અને દંડા વડે હિચકારો હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. આ ઘટના ને લઈ ને વડોદરા પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, ફતેગંજ સેવન સીઝ મોલની બહાર અચાનક જ કોઈ બાબતે બે જૂથના ટોળાઓ સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા શખ્સો કાયદાનો સરેઆમ ભંગ કરીને લાકડીઓ અને દંડા લઈ એકબીજા પર તૂટી પડ્યા હતા.

લોકોની માંગ છે કે CCTV ફૂટેજ ચેક કરીને આવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીને દાખલો બેસે એ રીતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. દિવસે ને દિવસે શહેરમાં વધી રહેલા મારામારીના બનાવો એ ચિંતા વધારી છે.

હવે જોવાનું એ રહે છે કે વડોદરા પોલીસ આ ગુનેગારો સામે કેવા પગલાં ભરે છે અને શહેરમાં શાંતિ તેમજ કાયદાનું શાસન પુનઃ સ્થાપિત કરવા માટે કેટલી સખ્તાઈ દાખવે છે.