Technology

સમુદ્રના ઠંડા પાણીથી ચાલશે AI સર્વર્સ, ચીનની નવી ટેક્નોલોજીની દુનિયામાં ચર્ચા

ચીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટે વધતી વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા દુનિયાનું પહેલું અંડરવોટર AI ડેટા સેન્ટર તૈયાર કર્યું છે. આ હાઈટેક પ્રોજેક્ટ શાંઘાઈના લિંગાંગ સ્પેશિયલ એરિયા નજીક સમુદ્રની અંદર બનાવવામાં આવ્યો છે. અહીં લગભગ 2,000 સર્વર્સ ખાસ પ્રેશર-રેઝિસ્ટન્ટ મોડ્યુલ્સમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ડેટા સેન્ટરનો ઉપયોગ AI મોડલ ટ્રેનિંગ, બિગ ડેટા પ્રોસેસિંગ અને ચીનના સ્થાનિક લાર્જ લેંગ્વેજ મોડલ્સ માટે કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટની કુલ ક્ષમતા આશરે 24 મેગાવોટ સુધી પહોંચશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત તેની એનર્જી સેવિંગ ટેક્નોલોજી છે. સામાન્ય ડેટા સેન્ટરમાં લગભગ 40થી 50 ટકા વીજળી માત્ર સર્વર્સને ઠંડા રાખવા માટે વપરાય છે. પરંતુ ચીનના આ અંડરવોટર ડેટા સેન્ટરમાં સમુદ્રનું કુદરતી ઠંડું પાણી સર્વર્સને ઠંડા રાખવાનું કામ કરે છે. તેના કારણે કૂલિંગ માટેની વીજળીનો વપરાશ 10 ટકા કરતાં પણ ઓછો થઈ જાય છે.

આ સિસ્ટમનો પાવર યુઝેજ ઈફેક્ટિવનેસ (PUE) લગભગ 1.15 છે, જે તેને દુનિયાના સૌથી ઊર્જા-કાર્યક્ષમ ડેટા સેન્ટર્સમાં સ્થાન અપાવે છે. PUE જેટલો ઓછો હોય, એટલી વધુ વીજળી સીધી કમ્પ્યુટિંગ માટે વપરાય છે અને ઓછી વીજળી કૂલિંગ જેવી સહાયક સિસ્ટમ્સ માટે ખર્ચાય છે. આ ડેટા સેન્ટર સમુદ્ર સપાટીથી અંદાજે 10થી 35 મીટર નીચે સ્થાપિત કરવામાં આવ્યું છે. તેને નજીકના ઓફશોર પવન ઊર્જા પ્લાન્ટ સાથે સીધી રીતે જોડવામાં આવ્યું છે. પ્રોજેક્ટમાં વપરાતી 95 ટકા કરતાં વધુ વીજળી રિન્યૂએબલ એનર્જીમાંથી મેળવવામાં આવે છે. અહેવાલો અનુસાર, આ અંડરવોટર AI ડેટા સેન્ટર દર વર્ષે અંદાજે 6.1 કરોડ કિલોવોટ-કલાક વીજળી બચાવી શકે છે. જમીનનો ઓછો ઉપયોગ, પાણીની બચત અને ઓછું કાર્બન ઉત્સર્જન હોવાના કારણે તેને ભવિષ્યના ગ્રીન AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જોવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top