World

AIથી લશ્કરી આયોજનનો ખતરો વધ્યો? Claudeના ઉપયોગ અંગે એન્થ્રોપિકના રિપોર્ટમાં મોટો ખુલાસો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ હવે માત્ર ટેક્નોલોજી, બિઝનેસ અને સામાન્ય કામકાજ પૂરતો સીમિત રહ્યો નથી. દુનિયાના વિવિધ દેશો અને સંગઠનો તેનો ઉપયોગ ગુપ્તચર પ્રવૃત્તિઓ અને લશ્કરી હેતુઓ માટે પણ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અમેરિકન AI કંપની એન્થ્રોપિકે પોતાના નવા થ્રેટ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં એવો ખુલાસો કર્યો છે કે ઈરાન સાથે જોડાયેલા એક એક્ટરે એન્થ્રોપિકના Claude AIનો ઉપયોગ કરીને અમેરિકન નૌકાદળ સાથે જોડાયેલી જાહેર માહિતી એકત્રિત કરી હતી અને સંભવિત ટાર્ગેટિંગ માટે તેનું વિશ્લેષણ કર્યું હતું.

જોકે, અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે Claude AIની મદદથી અમેરિકન નૌકાદળના મથકો કે જહાજો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો કોઈ પુરાવો એન્થ્રોપિકના અહેવાલમાં નથી. કંપનીના જણાવ્યા મુજબ, AIનો ઉપયોગ મુખ્યત્વે જાહેરમાં ઉપલબ્ધ માહિતી એકત્રિત કરવા, તેનું વિશ્લેષણ કરવા અને અમેરિકન નૌકાદળની સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે કરવામાં આવ્યો હતો.

એન્થ્રોપિકના જણાવ્યા મુજબ, ઈરાન સાથે જોડાયેલા આ એક્ટરે Claudeનો ઉપયોગ કરીને ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ એટલે કે જાહેરમાં ઉપલબ્ધ માહિતીમાંથી અમેરિકન નૌકાદળની સંપત્તિ અને તેની હિલચાલ અંગે વિગતો એકત્રિત કરી હતી. ત્યારબાદ આ માહિતીના આધારે સંભવિત ટાર્ગેટ નક્કી કરવા માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે આ એક્ટરે અમેરિકન નૌકાદળની સ્થિતિ ઓળખવા અને તેને ટ્રેક કરવા માટે વિવિધ જાહેર સ્રોતોનો ઉપયોગ કર્યો હતો.

આ માહિતીમાં અમેરિકન સૈનિકોના જાહેર ફોટોગ્રાફ્સ અને તેમના કેપ્શનમાંથી મળતી વિગતોનો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત જહાજો અને વિમાનો સાથે જોડાયેલા ટ્રાન્સપોન્ડર આઇડેન્ટિફાયર, કોમર્શિયલ સેટેલાઇટ તસવીરો મેળવવા માટેની સ્ક્રિપ્ટ્સ અને અમેરિકન નૌકાદળની હિલચાલ અંગે માહિતી આપતી જાહેર વેબસાઇટ્સની યાદી પણ એકત્રિત કરવામાં આવી હતી. એન્થ્રોપિકના જણાવ્યા મુજબ, સંબંધિત એક્ટરે અમેરિકન નૌકાદળની કેટલીક સિસ્ટમ્સમાં રહેલી જાણીતી ટેક્નિકલ નબળાઈઓ અંગેની માહિતી પણ શોધી હતી.

કંપનીએ જણાવ્યું હતું કે તેની સુરક્ષા વ્યવસ્થાએ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા એકાઉન્ટને ઓળખી કાઢ્યું હતું અને ત્યારબાદ તેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું હતું. આ અંગેની થ્રેટ ઇન્ટેલિજન્સ માહિતી સંબંધિત સરકારી અધિકારીઓ સાથે પણ શેર કરવામાં આવી હતી. આ ઘટનાએ એ ચિંતા વધારી છે કે AIના વધતા ઉપયોગ સાથે તેના દુરુપયોગનો ખતરો પણ વધી રહ્યો છે.

એન્થ્રોપિકના આ જ અહેવાલમાં યમનમાં સક્રિય એક અલગ એન્જિનિયરિંગ સેલ અંગે પણ ગંભીર માહિતી આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ, આ સેલે Claude Codeનો ઉપયોગ મિસાઇલ અને ગાઇડેડ રોકેટ માટે ગાઇડન્સ, નેવિગેશન અને કંટ્રોલ સોફ્ટવેર તૈયાર કરવા માટે કર્યો હતો. આ જૂથ ઉત્તર યમનમાં હુથી નિયંત્રણ હેઠળના વિસ્તારમાં સક્રિય હોવાનું જણાવાયું છે અને એન્થ્રોપિકે તેને હુથીઓ સાથે જોડાયેલું હોવાની શક્યતા દર્શાવી છે.

અહેવાલ મુજબ, આ એન્જિનિયરિંગ સેલ એક સાથે અનેક હથિયાર પ્રણાલીઓ પર કામ કરી રહ્યું હતું. તેમાં એક ગાઇડેડ રોકેટ, 2,000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી મલ્ટી-સ્ટેજ બેલિસ્ટિક મિસાઇલ અને R2000 નામની મિસાઇલ સિસ્ટમનો સમાવેશ થતો હતો. R2000 પ્રોજેક્ટમાં હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલનું એક વેરિઅન્ટ પણ સામેલ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

AIનો ઉપયોગ માત્ર માહિતી મેળવવા પૂરતો જ સીમિત નહોતો. એન્થ્રોપિકના જણાવ્યા મુજબ, Claudeનો ઉપયોગ ઓટોપાઇલટ સોફ્ટવેરને ફ્લાઇટ કમ્પ્યુટર સાથે જોડવા, કંટ્રોલ અને પોઝિશન એસ્ટિમેશન સોફ્ટવેર તૈયાર કરવા, કંટ્રોલ સેટિંગ્સમાં ફેરફાર કરવા અને ફ્લાઇટ સિમ્યુલેશન ચલાવવા જેવા ટેક્નિકલ કામોમાં પણ કરવામાં આવ્યો હતો. જૂથના સભ્યો Claudeની એકથી વધુ ઇન્સ્ટન્સનો એકસાથે ઉપયોગ કરતા હતા અને અલગ-અલગ કામ માટે તેને અલગ જવાબદારીઓ આપવામાં આવી હતી.

આ પ્રવૃત્તિ દરમિયાન એક ગાઇડેડ રોકેટનું વાસ્તવિક પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ નિષ્ફળ ગયા બાદ જૂથે Claudeની મદદથી ફ્લાઇટ દરમિયાન એકત્રિત થયેલા ડેટાનું વિશ્લેષણ કરીને નિષ્ફળતાનું કારણ સમજવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એન્થ્રોપિકે સ્પષ્ટ કર્યું છે કે તેની તપાસના આધારે આ પ્રવૃત્તિઓમાંથી કોઈ ઓપરેશનલ મિસાઇલ તૈયાર થઈ હોવાનું સાબિત થયું નથી.

એન્થ્રોપિકના જણાવ્યા મુજબ, સંબંધિત એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે અને AIના દુરુપયોગને રોકવા માટે કંપનીએ પોતાની સુરક્ષા વ્યવસ્થામાં વધુ ફેરફાર કર્યા છે. આ સમગ્ર ઘટનાએ AIના લશ્કરી ઉપયોગ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અત્યાર સુધી AIનો ઉપયોગ મુખ્યત્વે માહિતીનું વિશ્લેષણ, કોડિંગ અને સંશોધન જેવા ક્ષેત્રોમાં થઈ રહ્યો હતો, પરંતુ હવે તેની ક્ષમતાનો ઉપયોગ લશ્કરી આયોજન અને હથિયાર સંબંધિત ટેક્નિકલ કામમાં પણ થતો હોવાનું સામે આવી રહ્યું છે.

AIની મદદથી જટિલ માહિતી ખૂબ ઝડપથી એકત્રિત અને વિશ્લેષણ કરી શકાય છે. આવી સ્થિતિમાં કોઈ દેશ અથવા સંગઠનને ગુપ્તચર માહિતી મેળવવા અને લશ્કરી આયોજનમાં ઝડપનો ફાયદો મળી શકે છે. બીજી તરફ, આ જ ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ થાય તો હથિયારોના વિકાસ, ટાર્ગેટિંગ અને સાયબર અથવા લશ્કરી કામગીરી માટે ગંભીર સુરક્ષા જોખમ ઊભું થઈ શકે છે.

એન્થ્રોપિકના સપ્ટેમ્બર 2026ના અહેવાલમાં ઈરાન અને યમન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ ઉપરાંત રશિયા અને ચીન સાથે જોડાયેલા એક્ટર્સ દ્વારા Claudeના કથિત દુરુપયોગના કેસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, AI મોડલની ક્ષમતા સતત વધી રહી હોવાથી તેનો દુરુપયોગ રોકવા માટે સુરક્ષા વ્યવસ્થાઓને પણ સતત વધુ મજબૂત બનાવવી પડશે.

આ સમગ્ર મામલામાં સૌથી મહત્વની બાબત એ છે કે AIનો ઉપયોગ થયો હોવાનો અર્થ સીધો એ નથી કે AIની મદદથી અમેરિકન નૌકાદળ પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ ઉપલબ્ધ અહેવાલો મુજબ, ઈરાન સાથે જોડાયેલા એક્ટરે અમેરિકન નૌકાદળની જાહેર માહિતી એકત્રિત કરી અને સંભવિત ટાર્ગેટિંગ માટે તેનું વિશ્લેષણ કર્યું હતું, જ્યારે યમનમાં હુથીઓ સાથે જોડાયેલા હોવાનું જણાવાતા એન્જિનિયરિંગ સેલે મિસાઇલ અને રોકેટના સોફ્ટવેર સંબંધિત કામ માટે Claudeનો ઉપયોગ કર્યો હતો. માટે AI હવે યુદ્ધના મેદાનમાં સીધું હથિયાર ન હોવા છતાં લશ્કરી આયોજન અને ટેક્નિકલ કામગીરી માટે મહત્વનું સાધન બની રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે.

Most Popular

To Top