ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ભારતની ધરતી પરથી અમેરિકા અને ઈઝરાયેલને કડક સંદેશ આપ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા પેઝેશ્કિયાને સ્પષ્ટ કહ્યું કે ઈરાન કોઈપણ પ્રકારની દાદાગીરી, ધમકી કે દબાણ સામે ઝૂકશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈરાન પોતાના રાષ્ટ્રીય હિતો અને સાર્વભૌમત્વની રક્ષા માટે મક્કમતાથી ઊભું રહેશે. ધાર્મિક નેતાઓ, બૌદ્ધિકો, શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓના સમૂહને સંબોધતા પેઝેશ્કિયાને ગલ્ફ ક્ષેત્ર અંગે ઈરાનનું વલણ પણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે ઈરાન શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે, પરંતુ દેશની અંદર ફૂટ પાડવાનો પ્રયાસ કરનારી કોઈપણ વિદેશી શક્તિને સફળ થવા દેવામાં આવશે નહીં.
પેઝેશ્કિયાને કહ્યું, “અમે જુલમ સામે ઝૂકીશું નહીં. ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા સામે મક્કમતાથી ઊભું છે, કારણ કે અમે ધમકીઓ સામે નમીશું નહીં. જો તેઓ અમારા પર દબાણ લાવશે, તો અમે તેનો જવાબ આપીશું.” આ દરમિયાન તેમણે અમેરિકા અને ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી પર પણ આકરા સવાલો ઉઠાવ્યા હતા. ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકા અને ઈઝરાયેલની સેનાઓને “અસલી આતંકવાદી” ગણાવી હતી. તેમણે દક્ષિણ ઈરાનમાં એક પ્રાથમિક શાળા નજીક થયેલા અમેરિકી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ હુમલામાં 168 બાળકોનાં મોત થયાં હતાં. પેઝેશ્કિયાને કહ્યું કે જો કોઈ દેશ ખરેખર ઈરાન સાથે યુદ્ધ કરવા માગે છે, તો તેણે હોસ્પિટલો, માળખાગત સુવિધાઓ અને સામાન્ય લોકોની આજીવિકાને નિશાન બનાવવાને બદલે ઈરાની સૈનિકોનો સામનો કરવો જોઈએ.
પેઝેશ્કિયાને કહ્યું કે ઈરાન પર આર્થિક અને અન્ય પ્રકારનું દબાણ વધારીને ત્યાંની જનતાને શરણાગતિ માટે મજબૂર કરી શકાશે એવી જો કોઈને આશા હોય તો તે ખોટી છે. તેમના કહેવા મુજબ, મુશ્કેલીઓ અને અછત છતાં ઈરાનની જનતા પોતાના દેશના મુદ્દે ઝૂકશે નહીં. અમેરિકા અને ઈઝરાયેલની કાર્યવાહીની સરખામણી કરતાં પેઝેશ્કિયાને તેને “લગામ વગરના જંગલી ઘોડા” સાથે સરખાવી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો આ જ રસ્તો ચાલુ રહેશે તો તે વિનાશ તરફ લઈ જઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ, આવી નીતિ આખરે નરકની આગ તરફ દોરી જશે. પેઝેશ્કિયાને વિશ્વના વિવિધ દેશો વચ્ચે શાંતિ અને સહઅસ્તિત્વની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ઈશ્વરે ઈરાનીઓ, ચીનીઓ, ભારતીયો અને અન્ય લોકોને બનાવ્યા છે અને તમામ દેશોએ સાથે મળીને રહેવું જોઈએ. જોકે, સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન અન્યાય અને જુલમ સામે ઝૂકશે નહીં અને પીડિતોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
પેઝેશ્કિયાન ત્રણ દિવસની ભારત મુલાકાતે શુક્રવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ બ્રિક્સ સમિટમાં ભાગ લેવાનો છે. ભારત હાલમાં બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે અને આ કારણે ઈરાન માટે પણ ભારત સાથેની ચર્ચા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પણ ભારતના વખાણ કર્યા હતા. તેમણે ભારતને એક મહાન અને ઝડપથી ઉભરી રહેલા રાષ્ટ્ર તરીકે ગણાવ્યું હતું. અરાગચીએ કહ્યું હતું કે ભારત હાલમાં બ્રિક્સનું નેતૃત્વ કરી રહ્યું છે અને આ સંગઠન આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત બ્રિક્સ અને તેના સભ્ય દેશોનું અસરકારક અને અનુકરણીય રીતે નેતૃત્વ કરી શકે છે. પેઝેશ્કિયાનના કાર્યક્રમમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી ઉપરાંત કાશ્મીરી અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂક અને પતંજલિ આયુર્વેદના સહ-સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
ભારતની મુલાકાત દરમિયાન પેઝેશ્કિયાનનું ધ્યાન માત્ર બ્રિક્સ બેઠક સુધી સીમિત નથી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને વેપાર, ઊર્જા, કનેક્ટિવિટી અને ચાબહાર બંદર જેવા મુદ્દાઓ બંને દેશો માટે મહત્વ ધરાવે છે. દિલ્હીની ધરતી પરથી પેઝેશ્કિયાને આપેલા સંદેશથી સ્પષ્ટ થાય છે કે ઈરાન હાલ અમેરિકા અને ઈઝરાયેલ સામે પોતાની નીતિમાં કોઈ મોટો ફેરફાર કરવા તૈયાર નથી. તેમણે એક તરફ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની વાત કરી છે, તો બીજી તરફ કોઈપણ પ્રકારના દબાણ સામે જવાબ આપવાની નીતિ પણ સ્પષ્ટ કરી છે. આવી સ્થિતિમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે પેઝેશ્કિયાનના નિવેદનને મહત્વપૂર્ણ રાજદ્વારી સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.