બિહારમાં ભારે વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે પૂર-પરિસ્થિતિ ગંભીર બની છે. ગંગા અને તેની શાખા નદીઓ અનેક સ્થળે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. તેના કારણે રાજ્યના 15 જિલ્લાઓમાં પૂરથી 46.88 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોની મુશ્કેલી વધી છે, જ્યારે કેટલાક સ્થળોએ બંધમાં ભંગાણ પડતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. ભાગલપુર જિલ્લામાં પૂરનો સૌથી વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે. અહીં વિવિધ વિસ્તારોમાં બંધમાં ચાર સ્થળે ભંગાણ પડ્યું હતું. તેમાંથી કેટલાક સ્થળે સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે અન્ય સ્થળોએ કામગીરી ચાલી રહી છે. ગોપાલપુર બ્લોકમાં બ્રહ્મોત્તાર બંધમાં પડેલા ભંગાણને જળસંપત્તિ વિભાગની ટેકનિકલ ટીમ અને સ્થાનિક લોકોની મદદથી રાતોરાત રિપેર કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, રાંગ્રા બ્લોકમાં ધોબાનિયા જમીનદારી બંધ પર વહેલી સવારે આશરે 4.30 વાગ્યે લગભગ 20 ફૂટ જેટલું ખવાણ થયું હતું. જેના કારણે પૂરનું પાણી પીડબલ્યુડી રોડ નંબર-14ની અંદરના વિસ્તારમાં પ્રવેશવા લાગ્યું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા વાંસના થાંભલા, રેતીની બેગો અને પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરીને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. રાંગ્રા ચોક નજીક કાલબાલિયા નદી પર આવેલા ધોબાનિયા બંધમાં પણ ભંગાણની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત બનિયાબૈસિ પંચાયતના સાદોપુર રિંગ બંધના ભાગરૂપે આવેલા બુધિયા ડેમમાં પણ ભંગાણ પડ્યું હતું. આ વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધુ ન વધે અને નુકસાનને નિયંત્રિત કરી શકાય તે માટે ટેકનિકલ ટીમોને તૈનાત કરવામાં આવી છે.
પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે બંધોમાં નુકસાન થવાની શક્યતા છે, ત્યાં 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. અધિકારીઓ અને તકનીકી ટીમોને સતત સ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. જ્યાં પાણીનો દબાણ વધી રહ્યો છે ત્યાં તાત્કાલિક સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં પૂરથી 88 બ્લોક હેઠળ આવતા 561 ગ્રામ પંચાયતોના 46.88 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. ભાગલપુર ઉપરાંત પટણા, સારણ, વૈશાલી, બેગુસરાય, કટિહાર, પૂર્ણિયા અને બક્સર સહિતના જિલ્લાઓમાં સ્થિતિ ખાસ કરીને ગંભીર હોવાનું સામે આવ્યું છે.
બિહારની હાલની પૂર પરિસ્થિતિ પાછળ બિહાર ઉપરાંત નેપાળમાં થયેલા ભારે વરસાદને પણ મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓ અને જળાશયોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ગંગા અને તેની સહાયક નદીઓમાં પાણી વધતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધુ ગંભીર બન્યું છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં આશરે 90 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ પ્રમાણ સામાન્ય કરતાં લગભગ 20 ટકા વધારે છે. સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે નદીઓમાં જળસ્તર વધ્યું છે, જેના કારણે બંધો પર પણ પાણીનું દબાણ વધી રહ્યું છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે. બંધના નબળા વિસ્તારોની તપાસ, ભંગાણના સ્થળોનું સમારકામ અને જરૂરી સામગ્રી પહોંચાડવાની કામગીરી ચાલુ છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને નદીઓના જળસ્તર પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે, તેથી સંવેદનશીલ વિસ્તારોમાં પ્રશાસનને એલર્ટ રાખવામાં આવ્યું છે.