Vadodara

વડોદરા જિલ્લા સંગઠનને કુમતિ સૂઝી, હથિયાર પરવાના કૌભાંડમાં નામ ઉછળ્યું હતું તેના ઘરે જગદીશ વિશ્વકર્માને લઈ ગયા

વડોદરા જિલ્લા ભાજપની ગંભીર બેદરકારી, વિવાદાસ્પદ નગરસેવકના ઘરે પ્રદેશ અધ્યક્ષને લઈ જતા પક્ષની ફજેતી

હથિયાર પરવાના કૌભાંડમાં પૂછપરછનો સામનો કરી ચૂકેલા નગરસેવકની સાથે પ્રદેશ નેતાની તસવીરો વાયરલ થઈ

(પ્રતિનિધિ), વડોદરા. તા.23

ભારતીય જનતા પાર્ટી જેવી શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં વડોદરા જિલ્લા સંગઠનની એક ગંભીર ચૂક હાલમાં રાજકીય ગલીઓમાં ચર્ચાનો વિષય બની છે. રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરતા હથિયાર પરવાના કૌભાંડમાં એટીએસ દ્વારા પૂછપરછનો સામનો કરનાર કરજણ પાલિકાના નગરસેવક ગોકુલ ભરવાડના ઘરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગતા-સ્વાગતા કરાવીને જિલ્લા ભાજપ પ્રમુખ અને હોદ્દેદારોએ માત્ર પ્રદેશ અધ્યક્ષનું જ નહીં, પરંતુ પક્ષનું પણ જાહેરમાં ‘નીચાજોણું’ કરાવ્યું છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એટીએસ દ્વારા નકલી દસ્તાવેજોના આધારે હથિયારના પરવાના મેળવતા મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કેસના રિંગ લીડર્સ મુકેશ બાંભા અને શૌકત અલીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા નામ બહાર આવ્યા હતા, જેમાં કરજણના નગરસેવક ગોકુલ ભરવાડ, ગોત્રીના મુન્ના ભરવાડ અને અન્ય બે શખ્સોના નામ મુખ્યત્વે સામેલ હતા. જે વ્યક્તિ સામે રાજ્યની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી હોય અને જેના નિવેદનો નોંધાયા હોય, તેવી વ્યક્તિના ઘરે પ્રદેશ અધ્યક્ષને લઈ જવા એ સંગઠનની ઘોર બેદરકારી કે પછી કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે ? તેવો પ્રશ્ન હવે કાર્યકર્તાઓમાં ઉઠી રહ્યો છે.

સવાલ એ થાય છે કે, શું જિલ્લા ભાજપના અધ્યક્ષ, મહામંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો ગોકુલ ભરવાડની ‘કુંડળી’થી અજાણ હતા ? કે પછી જાણી-જોઈને પ્રદેશ અધ્યક્ષને અંધારામાં રાખીને પોતાની રાજકીય તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો હતો ? જ્યારે પ્રદેશ સ્તરેથી કાર્યકર્તાઓના ચારિત્ર્ય શુદ્ધિની વાતો થતી હોય, ત્યારે સ્થાનિક સંગઠન દ્વારા કરવામાં આવેલી આ ભૂલ સંગઠનની કાર્યપદ્ધતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભાં કરે છે.

રાજ્યની ગુપ્તચર એજન્સીઓના ચોપડે જેનું નામ શંકાસ્પદ લિસ્ટમાં હોય, તેની સાથે પ્રદેશ અધ્યક્ષની તસવીરો વાયરલ થતાં જ વહીવટી અને રાજકીય વર્તુળોમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે વડોદરા જિલ્લા ભાજપમાં ‘કોણ શું કરી રહ્યું છે’ તેના પર નેતૃત્વનું કોઈ નિયંત્રણ નથી. ફોટોગ્રાફની આ સચ્ચાઈએ પ્રદેશ અધ્યક્ષની છબીને પણ વિવાદમાં ધકેલી દીધી છે.

આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર લોકો કટાક્ષ કરી રહ્યા છે કે, ભાજપમાં હવે ગુનેગારોને આવકાર આપવાનું અભિયાન ચાલી રહ્યું છે કે શું ? કરજણ પાલિકાના આ નગરસેવકના ઘરે થયેલી અધ્યક્ષની મુલાકાત બાદ હવે પ્રદેશ મોવડીમંડળ વડોદરા જિલ્લા સંગઠનના જવાબદાર હોદ્દેદારો પાસેથી જવાબ તલબ કરે છે કે કેમ, તે જોવું ખૂબ જ મહત્વનું બની રહેશે.

વડોદરા જિલ્લા ભાજપ માટે આ એક એવી ‘આત્મઘાતી’ ભૂલ છે, જે આવનારા સમયમાં સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારો નોંતરી શકે છે. પક્ષના શિસ્તબદ્ધ માળખામાં આવી છૂટછાટ આપવી એ આગામી ચૂંટણીઓ પહેલા પાર્ટી માટે ઘાતક સાબિત થઈ શકે છે.

Most Popular

To Top