Gujarat

ઊંઝામાં ખોરાક-ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી : કલર ભેળવેલી 3,548 કિલો વરિયાળી અને 140 કિલો લીલો કલર જપ્ત

ગાંધીનગર

રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો સામે રાજ્ય સરકાર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત મહેસાણા જિલ્લાના ઊંઝામાં આજે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ દ્વારા ઊંઝા ખાતે “મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી” ખાતે અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ફેક્ટરીમાં વરિયાળીને આકર્ષક દેખાવ આપવા માટે પ્રતિબંધિત લીલા કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી અંદાજિત રૂ. 3.30 લાખની કિંમતનો 3,548 કિલોગ્રામ વરિયાળીનો જથ્થો તેમજ ભેળસેળ માટે વપરાતો 140 કિલોગ્રામ લીલો એડલ્ટ્રન્ટ કલર જપ્ત કર્યો હતો.પ્રાથમિક તપાસમાં વધુમાં ખુલાસો થયો હતો કે ફેક્ટરીના સંચાલકો પાસે ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી ફૂડ લાઈસન્સ પણ ઉપલબ્ધ ન હતું. જેના કારણે જનઆરોગ્યને જોખમમાં મૂકવાની સાથે ખાદ્ય સુરક્ષા કાયદાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે.

ખોરાક સુરક્ષા વિભાગના અધિકારીઓએ જપ્ત કરાયેલ વરિયાળી અને કલરના નમૂનાઓ વધુ તપાસ અને વિશ્લેષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબોરેટરીનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ ફેક્ટરીના માલિકો સામે કાયદાની કડક કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય રાજ્ય મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જનઆરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે અને ભેળસેળિયા તત્વો સામે આવનારા સમયમાં પણ આવી જ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી ચાલુ રહેશે. રાજ્યભરમાં ખોરાકની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સતત ચકાસણી અને દેખરેખની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે.

Most Popular

To Top