વડોદરામાં લોકશાહીનું મહાપર્વ, મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી
21.95 લાખથી વધુ મતદારો રવિવારે પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ, 2406 મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
(પ્રતિનિધિ), વડોદરા. તા.24
વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રવિવાર, તા. 26/04/2026 ના રોજ વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 4 નગરપાલિકાઓ માટે મતદાન યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના 21,95,738 મતદારો પોતાના પ્રતિનિધિઓ ચૂંટવા માટે ઉત્સાહપૂર્વક તૈયાર છે. વહીવટી તંત્ર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી.
ચૂંટણી તંત્રના સત્તાવાર આંકડા મુજબ, જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 21,95,738 છે, જેમાં 11,16,243 પુરુષ, 10,79,384 સ્ત્રી અને 111 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આ તમામ મતદારોના મતદાન માટે જિલ્લામાં કુલ 2406 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. મતદારોને મતદાનમાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ઝોનલ અધિકારીઓ દ્વારા તમામ મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે.
આ ચૂંટણી EVM દ્વારા યોજાનાર છે. ચૂંટણી માટે કુલ 5442 બેલેટ યુનિટ અને 4290 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે, જેમાં 10% રિઝર્વ મશીનોનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા અને ડભોઈ નગરપાલિકામાં વધુ ઉમેદવારો હોવાથી ટેકનિકલ જરૂરિયાત મુજબ વિશેષ બેલેટ યુનિટની વ્યવસ્થા કરાઈ છે. મતદાન મથકો સુધી સામગ્રી પહોંચાડવા અને પરત લાવવા માટે સમગ્ર જિલ્લામાં 18 ડીસ્પેચિંગ-રીસિવિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પાડવા માટે 574 વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચૂંટણીના અંતિમ તબક્કે ઉમેદવારી ફોર્મની ચકાસણી અને પરત ખેંચ્યા બાદનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
* જેમાં મહાનગરપાલિકામાં કુલ 473 ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમ કુલ 416 ઉમેદવારો છે. જેમાંથી 206 ફોર્મ અમાન્ય થયા છે. જ્યારે 267 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. કુલ 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. કુલ 74 બેઠકોમાં 258 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં 2 બેઠકો બિનહરીફ થયેલ છે.
* નગરપાલિકામાં કુલ 303 ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં કુલ 294 ઉમેદવારો છે. જેમાંથી 42 ફોર્મ અમાન્ય થયા છે. જ્યારે 261 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. કુલ 25 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. કુલ 91 બેઠકમાં 215 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમ 21 બેઠકો બિનહરીફ થયેલ છે.
* જિલ્લા પંચાયતમાં કુલ 134 ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં કુલ 134 ઉમેદવારો છે. જેમાંથી 39 ફોર્મ અમાન્ય થયા છે. જ્યારે 95 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. કુલ 12 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. કુલ 30 બેઠકમાં 79 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં 4 બેઠકો બિનહરીફ થયેલ છે.
* તાલુકા પંચાયતમાં કુલ 170 ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં કુલ 609 ઉમેદવારો છે. જેમાંથી 153 ફોર્મ અમાન્ય થયા છે. જ્યારે 457 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. કુલ 50 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. કુલ 151 બેઠકમાં 388 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં 19 બેઠકો બિનહરીફ થયેલ છે.
* આમ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મળીને કુલ 1080 ફોર્મ ભરવામાં આવ્યા છે. તમામ મળીને કુલ 1453 ઉમેદવારો છે. જેમાં 440 ફોર્મ અમાન્ય થયા છે. 1080 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. કુલ 94 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. કુલ 346 બેઠકમાં 940 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જ્યારે 46 બેઠકો બિનહરીફ થયેલ છે.
ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ અને પોલીસ જવાનો માટેની મતદાન પ્રક્રિયા પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. કુલ 5623 પોસ્ટલ બેલેટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા, જેમાં 2652 જેટલા પોલીસ જવાનોનો સમાવેશ થાય છે, જેઓએ પહેલેથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે.
ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે કુલ 13,234 પોલિંગ સ્ટાફ અને 7,939 પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવી છે. તમામ પોલિંગ સ્ટાફની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 20 જેટલા જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. પોલીસ વિભાગના અહેવાલ મુજબ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હથિયારો જમા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને અસામાજિક તત્વો સામે જરૂરી અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે.
ઉમેદવારોને ચૂંટણી પ્રચારની પરવાનગીઓ મેળવવામાં પડતી મુશ્કેલીઓને નિવારવા માટે વડોદરા મહાનગરપાલિકાની ડિઝાસ્ટર શાખા ખાતે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત કરવામાં આવી હતી. આ વ્યવસ્થા હેઠળ ચૂંટણી અધિકારી, પોલીસ કમિશનર કચેરી અને આર.ટી.ઓ.ના અધિકારીઓને એક જ છત નીચે બેસાડીને દૈનિક ધોરણે પરવાનગીઓ આપવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રચાર-પ્રસારના કામે કુલ 448 જેટલી પરવાનગીઓ આપવામાં આવી છે, જેમાં સભા, સરઘસ, રેલી, કાર્યાલય ખોલવા અને લાઉડ સ્પીકર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આદર્શ આચાર સંહિતાના ભંગ અંગે મળેલી 20 ફરિયાદોનો ત્વરિત નિકાલ કરીને તંત્રએ સતર્કતા દર્શાવી છે.
વડોદરામાં મતદાનની ટકાવારી વધારવા માટે વહીવટી તંત્રે નવતર અભિગમ અપનાવ્યો છે. વિવિધ ક્ષેત્રોની નામાંકિત હસ્તીઓ દ્વારા સોશિયલ મીડિયા પર અપીલ કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગર સેવા સદનની 70 થી વધુ LED ડિસ્પ્લે પર મતદાન જાગૃતિના બેનરો સતત પ્રસારિત થઈ રહ્યા છે, જેથી નાગરિકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા પ્રેરાય.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ કટોકટી કે આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેનો નંબર 0265-2427592 જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ચૂંટણી સ્ટાફ માટે મેડિકલ કિટ સહિત આરોગ્યની તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક તૈયારીઓ અને સુચારુ આયોજનથી વડોદરામાં લોકશાહીનું આ પર્વ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક ઉજવાય તેવી મજબૂત આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.