World

ડોનાલ્ડ ટ્રમ્પ ભાન ભૂલ્યા, ભારત-ચીન વિશે કરી અપમાનજનક ટિપ્પણીઓ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે એવો કન્ટેન્ટ શેર કર્યો છે, જેને કારણે ભારત અને ચીન જેવા દેશોને લઈને વિવાદ ઉભો થયો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર એક વીડિયોનું લખાણ પોસ્ટ કર્યું, જેમાં ભારત વિશે અપમાનજનક શબ્દો વપરાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો મૂળ અમેરિકન લેખક અને રેડિયો હોસ્ટ માઈકલ સેવેજ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો લગભગ ત્રણ અઠવાડિયા પહેલાનો છે અને 1 એપ્રિલે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જન્મજાત નાગરિકતા (Birthright Citizenship) વિષય પર ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દે માઈકલ સેવેજે પોતાના વિચારો વ્યક્ત કરતા કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે.

વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા નું બંધારણ બહુ જૂના સમયનું છે, જ્યારે આજના સમયમાં પરિવર્તન આવ્યા છે. તેમણે કહ્યું કે આજના સમયમાં ઘણા લોકો અન્ય દેશોમાંથી અમેરિકા આવે છે અને અહીં બાળકો પેદા કરે છે, જેના કારણે તે બાળકોને અમેરિકાની નાગરિકતા મળી જાય. આ મુદ્દે તેમણે કડક શબ્દોમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. માઈકલ સેવેજે પોતાના નિવેદનમાં ભારત અને ચીન જેવા દેશો વિશે પણ ઉગ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે વિવાદ ઊભો થયો છે. તેમના આ નિવેદનોને ઘણા લોકો અપમાનજનક અને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે. ખાસ કરીને ભારતને લઈને કરવામાં આવેલી ટિપ્પણીઓ પર લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ વીડિયોના લખાણને પોતાના પ્લેટફોર્મ પર શેર કરતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે કોઈ મોટી અને પ્રભાવશાળી વ્યક્તિ આવા કન્ટેન્ટને શેર કરે છે, ત્યારે તે આ પ્રકારના વિચારોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. આ કારણે સોશિયલ મીડિયા પર લોકો ટ્રમ્પની ટીકા કરી રહ્યા છે. આ પોસ્ટ પહેલા પણ ટ્રમ્પે એક ચેનલને આપેલી એક મુલાકાતમાં જન્મજાત નાગરિકતા અને મોંઘવારી અંગે કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ આ વીડિયો શેર કરવાથી ફરી એકવાર ચર્ચા તેજ બની છે. આ વીડિયોને બહુ મોટી સંખ્યામાં લોકો દ્વારા જોવામાં આવ્યો નથી, પરંતુ ટ્રમ્પે તેને શેર કર્યા પછી તે ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ પ્રકારની પોસ્ટને ખોટી અને ભેદભાવ ફેલાવતી ગણાવી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર બતાવે છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી પોસ્ટનો વ્યાપક અસર પડે છે. ખાસ કરીને જ્યારે તેમાં અન્ય દેશો વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવે, ત્યારે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બની શકે છે.

Most Popular

To Top