Entertainment

ગોન ટૂ સૂન, 30 વર્ષની હરિયાણવી અભિનેત્રી દિવ્યાંકા સિરોહીના અચાનક નિધન બાદ ભગવાન શિવને કરેલી પોસ્ટ ચર્ચામાં

હરિયાણવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર અને અભિનેત્રી દિવ્યાંકા સિરોહીનું માત્ર 30 વર્ષની ઉંમરે નિધન થયું છે. મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સામે આવતા જ તેમના પરિવાર, મિત્રો અને લાખો ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. દિવ્યાંકાની મોટી બહેન આરતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ દુઃખદ માહિતી આપી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું કે 21 એપ્રિલે દિવ્યાંકાનું અવસાન થયું છે અને ભગવાન તેની આત્માને શાંતિ આપે. માહિતી અનુસાર, ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શન વિસ્તારમાં પોતાના ઘરે દિવ્યાંકાની અચાનક તબિયત બગડી હતી. કહેવામાં આવે છે કે તેમને ચક્કર આવ્યા અને તેઓ જમીન પર પડી ગયા. જ્યારે પરિવારના સભ્યો ઘરે પાછા આવ્યા ત્યારે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના એટલી અચાનક બની કે પરિવારના સભ્યોને પણ વિશ્વાસ થતો નથી.

પરિવારના જણાવ્યા મુજબ, ઘટનાના થોડા સમય પહેલા સુધી દિવ્યાંકા સામાન્ય રીતે કામ કરી રહી હતી. તેમણે પોતાના ભાઈ માટે ખાવાનું પણ બનાવ્યું હતું. જોકે, તેમણે થોડી તબિયત ખરાબ હોવાની વાત કરી હતી. ત્યારબાદ તેમના ભાઈ કોઈ કામસર બહાર ગયા હતા. જતા સમયે દિવ્યાંકાને ગેટ બંધ કરવા માટે મેસેજ કર્યો હતો, જેને તેમણે ‘ઓકે’ કહીને જવાબ આપ્યો હતો. પરંતુ જ્યારે પરિવાર પાછો આવ્યો ત્યારે આ દુઃખદ ઘટના સામે આવી. પરિવારજનોના જણાવ્યા મુજબ, દિવ્યાંકાનું શરીર અકડાયેલું હતું અને તેમાં થોડો સોજો પણ જોવા મળ્યો હતો. ડોક્ટરો દ્વારા પ્રાથમિક રીતે હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ મોતનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. દિવ્યાંકાનું અંતિમ સંસ્કાર બુધવારે તેમના વતન બુલંદશહેરમાં કરવામાં આવ્યું હતું. તેમના નિધનના સમાચાર સાંભળીને ચાહકો અને ઓળખીતાઓ સ્તબ્ધ થઈ ગયા છે. એટલી નાની ઉંમરે તેમનું આ રીતે અચાનક અવસાન થવું દરેક માટે આઘાતજનક છે.

દિવ્યાંકા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય હતી. તેમના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1.3 મિલિયન ફોલોઅર્સ હતા. તેઓ પોતાના વીડિયો અને કન્ટેન્ટ માટે જાણીતી હતી. દિવ્યાંકાનો જન્મ 19 નવેમ્બર 1996ના રોજ બુલંદશહેરમાં થયો હતો. તેમણે મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી BCA કર્યું હતું અને ત્યારબાદ સિક્કિમમાંથી MBA ની ડિગ્રી મેળવી હતી. હાલ તેઓ ગાઝિયાબાદમાં પોતાના ભાઈ અને બહેન સાથે રહેતા હતા. દિવ્યાંકાના નિધન બાદ તેમની ઇન્સ્ટાગ્રામ પરની એક જૂની પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ 9 જૂન 2023ની છે, જેમાં તેમણે ભગવાન શિવને સંબોધતા એક ભાવુક સંદેશ લખ્યો હતો કે “ભગવાન શિવ મને તમારા પાસે લઈ જાઓ.” આ પોસ્ટ તેમણે પોતાના પ્રોફાઇલ પર પિન પણ કરી હતી. હવે જ્યારે લોકો આ પોસ્ટ જોઈ રહ્યા છે, ત્યારે તેઓ ભાવુક બની રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં લોકો ‘ઓમ શાંતિ’, ‘મિસ યુ’ અને ‘ગોન ટૂ સૂન’ જેવા સંદેશો લખીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દિવ્યાંકા સિરોહીનું આ અચાનક નિધન સમગ્ર ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકો માટે મોટો આઘાત છે. તેમના સ્મરણમાં લોકો સોશિયલ મીડિયા પર સતત શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Most Popular

To Top