એલસીબીની પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી
મોબાઇલ અને રોકડ સાથે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો
કાલોલ, તા. ૨૫
ચાલી રહેલી IPL ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઈન સટ્ટાખોરી સામે કાર્યવાહી કરતા એલસીબી પોલીસે વેજલપુર વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી કુલ ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફ શુક્રવારે રાત્રે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે પ્રભાત કોમ્પ્લેક્સ નજીક નાના મહોલ્લા વિસ્તારમાં તોહસિફ સોકત નાના નામનો વ્યક્તિ હાલ ચાલી રહેલી IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન પોલીસે એક વ્યક્તિને મોબાઇલ ફોનમાં સટ્ટાખોરી કરતા ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો હોવાની કબૂલાત કરી હતી. મોબાઇલમાં ઉપયોગમાં લેવાતી સટ્ટાની આઈડીમાં અંદાજે ₹૧૦ લાખની ક્રેડિટ મર્યાદા હોવાનું પણ સામે આવ્યું હતું.
પોલીસે આરોપી પાસેથી ₹૧૦,૦૦૦નો મોબાઇલ અને અંગજડતીમાંથી ₹૬૭,૮૦૦ રોકડ મળી કુલ ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા