SURAT

સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત

સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. આજે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરો પરથી EVM મશીનો અને જરૂરી ચૂંટણી સામગ્રી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો તરફ રવાના કરવામાં આવી હતી. ઝોનલ ઓફિસર અને ચૂંટણી સ્ટાફ પણ પોતાની જવાબદારીઓ નિભાવવાના સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આ વખતે સુરત જિલ્લામાં કેટલીક બેઠકો પર જોરદાર ટક્કર જોવા મળી રહી છે, જ્યારે કેટલીક બેઠકો બિનહરીફ પણ જાહેર થઈ છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરીફ થઈ છે. તાલુકા પંચાયતની 204 બેઠકોમાંથી 21 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. નગરપાલિકાની કુલ 116 બેઠકોમાંથી તરસાડી નગરપાલિકાની 18 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.

ચૂંટણી દરમિયાન વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમામ મતદાન મથકો પર પીવાના પાણીની સુવિધા રાખવામાં આવી છે. સાથે જ કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિ માટે મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવશે. હીટવેવની અસરને ધ્યાનમાં રાખીને મતદારોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરીએ તો સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ EVM ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લઈને સુરક્ષા તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે સુરત ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1160 મતદાન મથકો પર મતદાન યોજાશે. આ માટે 2705 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં SRP, હોમગાર્ડ, GRD અને SRDના જવાનોનો સમાવેશ થાય છે.

સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવશે. આ માટે 77 સેક્ટર પોલીસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે. આ તમામ ટીમોને બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે, જેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય અને પારદર્શિતા જળવાઈ રહે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસે અત્યાર સુધીમાં 8000થી વધુ લોકો સામે અટકાયતી પગલાં લીધા છે. સાથે જ કરોડો રૂપિયાનો દારૂ અને ડ્રગ્સ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પગલાંનો મુખ્ય હેતુ મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જાળવાઈ રહે તે છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. 24 કલાક કાર્યરત મોનિટરિંગ સેલ દ્વારા કોઈપણ ભ્રામક માહિતી અથવા અફવા ફેલાય નહીં તે માટે સતત ચકાસણી કરવામાં આવી રહી છે. હવે સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે તંત્ર સતર્ક છે. મતદારોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ભય રીતે મતદાન કરીને લોકશાહીના આ મહોત્સવમાં ભાગ લે.

Most Popular

To Top