Vadodara

સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, ‘ મતદાનના 24 કલાક પૂર્વે જ કોંગ્રેસના નેતાઓએ કર્યો જાહેરમાં પ્રચાર, કોંગ્રેસ પર મતદારોને ગેરમાર્ગે દોરવાનો અને લોભામણી લાલચ આપવાનો આરો

રિટર્નિંગ ઓફિસરને પુરાવા સાથે ફરિયાદ, ઉમેદવાર આશિષ જોશી સામે FIR ની માંગ

(પ્રતિનિધિ), વડોદરા. તા.25

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનું તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. મતદાન પૂર્વેના સંવેદનશીલ ગણાતા ‘સાયલન્સ પિરિયડ’ દરમિયાન કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા ફેસબુક લાઈવ પ્રચારને પગલે ચૂંટણી મેદાનમાં ભારે હોબાળો મચી ગયો છે. ભાજપે આ ઘટનાને ચૂંટણી આચારસંહિતાનો ‘સુનિયોજિત અને ગંભીર ભંગ’ ગણાવી કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીની ઉમેદવારી તાત્કાલિક રદ કરવા ચૂંટણી તંત્રને ચીમકી આપી છે.

ચૂંટણી પંચના કડક નિયમો મુજબ, મતદાનના 24 કલાક પહેલા કોઈપણ ઉમેદવાર કે પક્ષ જાહેર પ્રચાર કરી શકતા નથી. પરંતુ, આ નિયમોને નેવે મૂકીને 25 એપ્રિલના રોજ કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષી, શહેર પ્રમુખ ઋત્વિક જોષી અને ગુજરાત પ્રદેશના મંત્રી વિમલભાઈ શાહ દ્વારા ફેસબુક અને સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યાલયમાં પક્ષના બેનરો અને પોસ્ટરોની હાજરીમાં કરાયેલી આ ‘પ્રેસ કોન્ફરન્સ’ સીધી રીતે મતદારોને પ્રભાવિત કરવાનો અને આચારસંહિતાને પડકારવાનો પ્રયાસ હોવાનું ભાજપના ચૂંટણી સંયોજક ભૂપેન્દ્રભાઈ લાખાવાલાએ ફરિયાદમાં જણાવ્યું છે.

ફરિયાદ પત્રમાં ભાજપે આકરા શબ્દોમાં જણાવ્યું છે કે, આ માત્ર પ્રચાર નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારોને લોભ-લાલચ આપીને પ્રભાવિત કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ છે. જાહેર માધ્યમો પર આ પ્રકારનું વર્તન લોકશાહીના પાયાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. ભાજપે પુરાવા તરીકે ફેસબુક પોસ્ટના સ્ક્રીનશોટ અને વીડિયો રિટર્નિંગ ઓફિસરને સોંપીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

ચૂંટણીના અંતિમ તબક્કે આ ઘટના બનતા વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે. ભાજપે માત્ર ઉમેદવારી રદ કરવાની જ નહીં, પરંતુ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડકમાં કડક પગલાં લેવાની અને જરૂર પડે તો તાત્કાલિક અસરથી FIR દાખલ કરવાની પણ માંગ કરી છે.

મતદાનના આગલા દિવસે જ કોંગ્રેસના આ વિવાદિત લાઈવ પ્રસારણને લઈને હવે રિટર્નિંગ ઓફિસર કેવા પગલાં ભરે છે તેના પર સમગ્ર વડોદરાની નજર છે. શું ચૂંટણી પંચ આ ગંભીર ભંગ બદલ કોંગ્રેસના ઉમેદવાર સામે મોટી કાર્યવાહી કરશે? તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ આ વિવાદે ચૂંટણીના માહોલને અત્યંત ગરમાવી દીધો છે.

Most Popular

To Top