Vadodara

ગંદકી કરશો તો ખિસ્સું ખાલી થશે! વડોદરામાં રસ્તા પર ગંદું પાણી વહાવતા દુકાનદારો દંડાયા

ઈસ્ટ ઝોનની સેનેટરી ટીમ એક્શન મોડમાં: કડક કાર્યવાહી સાથે વેપારીઓને જાહેર માર્ગો સ્વચ્છ રાખવા તાકીદ

વડોદરા:; મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પાલિકાના ઈસ્ટ ઝોન દ્વારા વોર્ડ નંબર 15 ના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જાહેર માર્ગો પર પોતાની દુકાનોનું ગંદું પાણી છોડનારા અને આસપાસના વિસ્તારમાં સફાઈ ન રાખનારા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક હાથે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
પાલિકાની આ કડક કાર્યવાહી અંતર્ગત નિયમોનો ભંગ કરનારા બેદરકાર દુકાનદારો પાસેથી સ્થળ પર જ કુલ 30,000 રૂપિયાનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી ઈસ્ટ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તુવેર સાહેબના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર જયદીપ વાડા, સેનેટરી ઇન્સ્પેક્ટર ચેતનભાઈ તેમજ સબ સેનિટરી ઇન્સ્પેક્ટર લક્ષ્મણભાઈ અને રંકલબેનની સીધી હાજરીમાં કડક રીતે અમલમાં મૂકવામાં આવી હતી. આ અધિકારીઓની ટીમે વોર્ડ 15 ના વિવિધ વિસ્તારો અને ચાર રસ્તા પાસે સઘન તપાસ કરીને ગંદકી ફેલાવતા તત્વો સામે લાલ આંખ કરી હતી.
આ સફળ કામગીરી બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વેપારીઓ અને નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વ્યવસાયિક સ્થળોની આસપાસ પૂર્ણ સ્વચ્છતા જાળવે અને કોઈપણ સંજોગોમાં દુકાન કે ઘરનું ગંદું પાણી જાહેર રસ્તાઓ પર ન છોડે. પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં પણ કોઈ નાગરિક કે વેપારી રસ્તા પર ગંદકી કરતા કે પાણી છોડતા પકડાશે, તો તેમની સામે આ જ પ્રકારે કાયદેસરની કડક કાર્યવાહી કરીને મોટો દંડ ફટકારવામાં આવશે.

Most Popular

To Top