ગયા મહિનાની શરુઆતમાં અમેરિકા સ્થિત બિન-સરકારી સંગઠન ‘ફ્રીડમ હાઉસે’ વૈશ્વિક રાજકીય અધિકારો અને સ્વતંત્રતા અંગે એક વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો હતો. તેમાં તેણે ભારતને ‘મુક્ત લોકશાહી’થી ડાઉનગ્રેડ કરીને ‘આંશિક મુક્ત લોકશાહી’નો દરજ્જો આપ્યો હતો. ગયા સપ્તાહમાં સ્વિડન સ્થિત વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટે પણ લોકશાહી અંગે તાજો અહેવાલ પ્રકાશિત કર્યો હતો જે વધારે આકરો હતો. તેમાં જણાવાયું હતું કે, ભારત ‘ઇલેક્ટોરલ ઓટોક્રેસી’ એટલે કે ‘ચૂંટણીલક્ષી આપખુદશાહી’ બની ગયું છે.
ગયા મહિને ધ ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પ્રકાશિત લેટેસ્ટ ડેમૉક્રેસી ઇન્ડેક્સમાં ભારતને ‘દોષપૂર્ણ લોકશાહી’ તરીકે ઓળખાવાયું હતું અને તે બે સ્થાન નીચે ઉતરીને 53મા સ્થાને પહોંચી ગયું હતું. આ રૅન્કિંગમાં લોકશાહીને નબળી પાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની હિંદુ રાષ્ટ્રવાદી ભાજપ સરકારને જવાબદાર ગણાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, મોદીની દેખરેખ હેઠળ માનવ અધિકાર જૂથો પર દબાણ વધ્યું છે, પત્રકારો અને ચળવળકર્તાઓને ડરાવવામાં આવે છે અને હુમલાઓનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને મુસ્લિમો પર હુમલા વધ્યાં છે. તેમણે કહ્યું કે આના કારણે દેશમાં રાજકીય અને નાગરિક સ્વતંત્રતાની સ્થિતિ કથળી છે.
ફ્રીડમ હાઉસે જણાવ્યું કે 2014માં મોદી સત્તા પર આવ્યા ત્યારથી ભારતમાં નાગરિક સ્વતંત્રતા ઘટી રહી છે. મુક્ત રાષ્ટ્રોમાં ભારતનું ઉપલા સ્થાનેથી પતન થાય તેનાથી વિશ્વના લોકશાહી ધોરણો પર વધારે માઠી અસર પડશે. વી-ડેમે જણાવ્યું કે, મોદીના શાસન દરમિયાન વાણી સ્વાતંત્ર્ય, મીડિયા અને સિવિલ સોસાયટીનું ગળું રુંધવાનું કામ બહુ આગળ વધ્યું છે. સેન્સરશિપની વાત આવે ત્યારે ભારતની હાલત પાકિસ્તાન જેટલી જ ખરાબ છે. ભારતની તુલનામાં બાંગ્લાદેશ અને નેપાળની સ્થિતિ પણ સારી છે.
ડેમૉક્રેટિક ઇન્ડેક્સમાં જણાવાયું હતું કે સરકાર દ્વારા લોકશાહીને કરાયેલું નુકસાન તથા નાગરિક સ્વતંત્રતા પર તરાપના કારણે ભારતનું રૅન્કિંગ કથળ્યું છે. તેમાં જણાવાયું હતું કે મોદીની નીતિઓથી મુસ્લિમ વિરોધી લાગણી તથા ધાર્મિક ઉશ્કેરાટ ફેલાવાયો છે તથા દેશના રાજકીય માળખાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હવે ભારત જેવા સ્વચ્છ દેશની લોકશાહી પર આટલા ગંભીર આરોપી વૈશ્વિક કક્ષાએ લાગી રહ્યાં છે તેના અનેક કારણો છે. જેમાં તાજેતરના જ એક કારણની વાત કરીએ તો રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો ખુલાસો કરતાં પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે.
આ અંગે તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારા જીવનના મહત્ત્વના 15 વર્ષ આપ્યા છે, તે પાર્ટી હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. એટલા માટે જ આજે હું મારી જાતને ‘આપ’થી અલગ કરી રહ્યો છું અને હવે જનતાની સેવામાં જોડાઈ રહ્યો છું, તેમજ મારી સાથે આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશ (2/3) સાંસદો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.’ આમ આદમી પાર્ટીને સીધી રીતે હરાવી નહીં શકનાર સત્તા પક્ષે આખે આખી આપ ખતમ કરવાની કોશિશ કરી છે.
આ પહેલા મહારાષ્ટ્રમાં જે થયું તે પણ સૌ લોકો સારી રીતે જાણે જ છે. તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે બેઠકો બિનહરીફ કરવામાં આવી તે પરંપરાને લોકશાહીમાં કોઇ જ સ્થાન નથી. લોકશાહીમાં તો દરેક પક્ષને તેના વિચારો સાથે ચૂંટણી લડવાની તક મળે છે. અને એ વિચારધારા સાથે જે લોકો જોડાયેલા હોય તેઓ તેમને મત આપે છે પરંતુ હવે તો ઉમેદવારોને બિનહરીફ કરીને મતદારોને તેમના મત આપવાના મૂળભૂત અધિકારોથી જ વંચિત કરી દેવામાં આવે છે. તો આ સ્થિતિને લોકશાહી કેવી રીતે ગણી શકાય તે જ સૌથી મોટો પ્રશ્ન છે. આવી સ્થિતિમાં પક્ષ કોઇ પણ મજબૂત થાય પરંતુ દેશ માટે તો આ સ્થિતિ સારી ગણી શકાય તેમ નથી.