AICTEએ ટેકનિકલ કોર્સ ગણ્યા બાદ GTU હસ્તક 100 કોલેજો
BBAમાં 4,950 અને BCAમાં 8,040 બેઠકો ઉપલબ્ધ
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા બીબીએ અને બીસીએ કોર્સને ટેકનિકલ શિક્ષણ હેઠળ લેવાયા બાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે વધુ 13 નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આ નવી મંજૂરીઓથી રાજ્યમાં બીબીએ-બીસીએની કુલ બેઠકોમાં 1,770નો વધારો થયો છે.
ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જીટીયુએ બીબીએની 6 નવી કોલેજોને મંજૂરી આપી છે, જેથી 810 બેઠકો વધશે. જ્યારે બીસીએમાં 7 નવી કોલેજોને મંજૂરી મળતા 960 બેઠકોનો વધારો થશે. આમ, બંને મળીને કુલ 13 કોલેજો અને 1,770 બેઠકોનો વધારો થયો છે. નવી મંજૂરી બાદ હવે જીટીયુ હસ્તક બીબીએની કુલ 37 સંસ્થાઓમાં 4,950 બેઠકો અને બીસીએની 63 કોલેજોમાં 8,040 બેઠકો ઉપલબ્ધ થશે. એટલે કે બીબીએ-બીસીએ બંને મળીને રાજ્યમાં કુલ 100 કોલેજોમાં 12,990 બેઠકો વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ બનશે. વર્ષ 2025-26માં બીબીએની કુલ 31 કોલેજોમાં 4,140 બેઠકો અને બીસીએની 56 કોલેજોમાં 7,080 બેઠકો ઉપલબ્ધ હતી. એટલે કે ગત વર્ષે બંને મળીને 87 કોલેજોમાં 11,220 બેઠકો હતી. જીટીયુના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર હાલમાં ચાલી રહેલી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા મારફતે અરજી કરવાની રહેશે. એઆઈસીટીઈ દ્વારા બીબીએ-બીસીએને ટેકનિકલ કોર્સ જાહેર કર્યા બાદ નવી કોલેજોની મંજૂરીની જવાબદારી ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપાઈ હતી. ગુજરાતમાં જીટીયુ દ્વારા છેલ્લા બે વર્ષથી બીબીએ-બીસીએ કોલેજોને મંજૂરી અપાઈ રહી છે.