India

ડિલિવરી બાદ માતાઓના મોતનો ભેદ ઉકેલાયો: રાજસ્થાનના કોટા કાંડમાં બ્લીડિંગ રોકતી દવા ફેલ, 11 દવાઓના સેમ્પલ પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ

રાજસ્થાનના કોટામાં ડિલિવરી બાદ મહિલાઓના મોત અને અનેક પ્રસૂતાઓની ગંભીર તબિયત બગડવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. હવે આ મામલે થયેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ડિલિવરી દરમિયાન અને ત્યારબાદ મહિલાઓને આપવામાં આવતી ઓક્સિટોસિન (Oxytocin) ઇન્જેક્શનની એક બેચ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ સાબિત થઈ છે. આ દવા પ્રસૂતિ બાદ થતા ભારે રક્તસ્ત્રાવને રોકવા માટે ઉપયોગમાં લેવાય છે.

તપાસમાં માત્ર એક જ દવા નહીં પરંતુ કુલ 11 દવાઓના નમૂનાઓ પણ ધોરણ મુજબના ન હોવાનું બહાર આવ્યું છે. ખુલાસા બાદ રાજ્યના આરોગ્ય વિભાગ, ડ્રગ કંટ્રોલ વિભાગ, હોસ્પિટલ પ્રશાસન સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

શું હતી સમગ્ર ઘટના?
મે મહિનાની શરૂઆતમાં રાજસ્થાનના કોટા સ્થિત JK લોન હોસ્પિટલ અને ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સીઝેરિયન ડિલિવરી બાદ અનેક મહિલાઓની તબિયત અચાનક બગડવા લાગી હતી. કેટલીક મહિલાઓમાં બ્લડ પ્રેશર ઝડપથી ઘટી ગયું,પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા,કિડની સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ અને પેશાબ બંધ થવા જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.થોડા જ દિવસોમાં ચાર મહિલાઓના મોત થયા હતા જ્યારે અનેક અન્ય પ્રસૂતાઓને ICU અને સુપર સ્પેશિયાલિટી વિભાગમાં સારવાર માટે ખસેડવી પડી હતી. આ ઘટનાએ રાજ્યભરમાં ભારે ચિંતા ફેલાવી હતી.

મૃતક મહિલાઓ કોણ હતી?
અહેવાલો મુજબ મૃતકોમાં 31 વર્ષની પિંકી મહાવર, 22 વર્ષની પ્રિયા મહાવર તેમજ પાયલ અને જ્યોતિ નાયકનો સમાવેશ થાય છે. તમામ મહિલાઓએ તાજેતરમાં જ બાળકોને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ તેમની તબિયત સતત બગડતી ગઈ અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.પિંકી મહાવરના પરિવારજનોનો આરોપ હતો કે ઓપરેશન બાદ તેની તબિયત સતત ખરાબ થતી રહી, કિડની ફેલ થવાના લક્ષણો દેખાયા છતાં સમયસર યોગ્ય સારવાર અને રેફરલ આપવામાં આવ્યા નહોતા.

ઓક્સિટોસિન ઇન્જેક્શન પર કાર્યવાહી
તપાસ દરમિયાન “TOCIN” નામની Oxytocin Injection 5 ml નો નમૂનો ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ જાહેર થયો હતો. આ ઇન્જેક્શન Jackson Laboratories Pvt. Ltd. દ્વારા બનાવવામાં આવતું હતું. દવામાં જરૂરી અસરકારકતા (Potency) ન હોવાનું બહાર આવતા રાજસ્થાન ડ્રગ કંટ્રોલ વિભાગે સમગ્ર રાજ્યમાં તેની વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
અધિકારીઓએ કોટાની સરકારી હોસ્પિટલો અને સપ્લાય ચેઇન સાથે જોડાયેલા સ્ટોકિસ્ટો પાસેથી લગભગ 3,500 વાયલ જપ્ત કર્યા હતા.

24 દવાઓના સેમ્પલ, 11 ફેલ
ઘટના બાદ તપાસ ટીમે કુલ 24 દવાઓના નમૂનાઓ જપ્ત કર્યા હતા. તેમાં રાજ્યની મફત દવા યોજના હેઠળ સપ્લાય થયેલી દવાઓ ઉપરાંત સ્થાનિક સ્તરે ખરીદવામાં આવેલી દવાઓ પણ સામેલ હતી. નમૂનાઓને પરીક્ષણ માટે વિવિધ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. કેટલાક ટેસ્ટ માટે નમૂનાઓ કોલકાતા સુધી મોકલવા પડ્યા કારણ કે રાજસ્થાનમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ નહોતી.પ્રાથમિક તપાસમાં 11 દવાઓના સેમ્પલ ગુણવત્તા ધોરણો પર ખરા ઉતર્યા નહોતા. તેમાં તાવ, ચેપ, દુખાવો અને અન્ય સારવારમાં વપરાતી દવાઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

સરકારે રચી ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ
વિવાદ વધતા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. શરૂઆતમાં SMS મેડિકલ કોલેજ, જયપુરની ચાર સભ્યોની ટીમ મોકલવામાં આવી હતી, પરંતુ બાદમાં છ સભ્યોની વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.આ સમિતિમાં નેફ્રોલોજી, ગાયનેકોલોજી, માઇક્રોબાયોલોજી, મેડિસિન અને ફાર્માકોવિજિલન્સ ક્ષેત્રના વરિષ્ઠ નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા હતા. સમિતિને ઘટનાનું મૂળ કારણ શોધી સરકારને વિગતવાર અહેવાલ સોંપવાની જવાબદારી આપવામાં આવી હતી.

લોક અદાલત પણ થઈ સક્રિય
ચાર મહિલાઓના મોત બાદ મામલો કાનૂની સ્તરે પણ પહોંચ્યો હતો. કોટાની સ્થાયી લોક અદાલતે ઘટનાને ગંભીર ગણાવી રાજ્ય સરકાર, મુખ્ય ચિકિત્સા અધિકારી, ન્યૂ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને હોસ્પિટલના અધિકારીઓને નોટિસ ફટકારી હતી.અરજદારો દ્વારા હોસ્પિટલોમાં સંક્રમણ, ગંદકી, ઓપરેશન થિયેટરમાં સ્વચ્છતાનો અભાવ અને તબીબી બેદરકારીના આરોપો લગાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલોમાં એલર્ટ જાહેર
ઘટના બાદ રાજ્યના મેડિકલ એજ્યુકેશન વિભાગે તમામ સરકારી હોસ્પિટલોને દવાઓના સ્ટોરેજ, તાપમાન નિયંત્રણ, ભેજ અને ગુણવત્તા જાળવવા માટે કડક સૂચનાઓ આપી હતી. તમામ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોને નિયમિત નિરીક્ષણ અને મોનિટરિંગ વધારવા પણ જણાવાયું હતું.

દેશભરમાં ઉઠ્યા સવાલો
આ સમગ્ર ઘટનાએ દેશની જાહેર આરોગ્ય વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જો જીવનરક્ષક દવાઓ જ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ નીકળે તો દર્દીઓની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થશે તે મોટો પ્રશ્ન બની ગયો છે.ચાર મહિલાઓના મોત, અનેક પ્રસૂતાઓની ગંભીર હાલત, 11 દવાઓના સેમ્પલ ફેલ અને ઓક્સિટોસિન ઇન્જેક્શન પર પ્રતિબંધ બાદ હવે સમગ્ર દેશની નજર તપાસ સમિતિના અંતિમ અહેવાલ પર ટકેલી છે. જો દવા ઉત્પાદકો, સપ્લાયરો અથવા હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી સાબિત થશે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

Most Popular

To Top