અર્જુન એક એકદમ સામાન્ય વિદ્યાર્થી હતો. દર વખતે પરીક્ષામાં ઓછા માર્ક આવે. શિક્ષકો કહેતાં, ‘‘આ છોકરો ક્યારેય સફળ નહીં થાય.તેને ગમે તેટલું સમજાવીએ તેને કંઈ સમજાતું જ નથી’’. મિત્રો મજાક કરતા હસતા, ‘‘તું ભણવા માટે બન્યો નથી. છોડી દે ભણવાનું.’’ એક દિવસ વર્ગમાં શિક્ષકે અચાનક દસ માર્કની ટેસ્ટ લીધી અને અર્જુનને માત્ર એક માર્ક મળ્યો, શિક્ષક ખીજાયા. બધા મિત્રોએ બહુ મજાક કરી. અર્જુન ઘરે આવ્યો. ઓશીકામાં મોઢું નાખી ખૂબ રડ્યો. પછી અરીસા સામે ઊભો રહ્યો અને પોતાને જ પૂછ્યું — ‘‘શું હું સાચે જ નકામો છું? શું હું ક્યારેય નહિ ભણી શકું? શું મારું મગજ કામ કરતું નથી?’’
આ બધા સવાલનો જવાબ હા આવવાને બદલે તેની અંદરથી અવાજ આવ્યો — ‘ના.’ અરીસામાં દેખાતા તેના પોતાના પ્રતિબિંબે તેને કહ્યું, ‘‘ના તું નકામો નથી, તું મહેનત કર, ચોક્કસ ભણી શકીશ.’’ બસ, પોતાની અંદરથી જ આ જવાબ મળતાંની સાથે જ તેની સફર બદલાઈ. તેણે જાતે મહેનત શરૂ કરી, વહેલો ઊઠવા લાગ્યો, યૂટ્યૂબ પર ભણવા લાગ્યો, જાતે વાંચવા લાગ્યો, પોતાની નોટ્સ જાતે બનાવી, રોજ ૧૦ કલાક અભ્યાસ કર્યો. ઊંઘ ઘટાડી, મોબાઈલ વાપરવો બંધ કર્યો, કસરત કરી અને ૧૦ મિનીટ મેડીટેશન પણ શરૂ કર્યું. તેનું બધું જ ધ્યાન ફક્ત તેના લક્ષ્ય પર હતું.અર્જુને સતત ચાર મહિના સખત મહેનત કરી. પરીક્ષા આવી. તેણે બરાબર મહેનત કરી પરીક્ષા આપી. બધાં પેપર સારાં ગયાં અને જયારે રીઝલ્ટ આવ્યું… બોર્ડ પરીક્ષામાં અર્જુનના ૮૨ ટકા આવ્યા! ઘરમાં બધા એકદમ ખુશ હતાં. જ્યારે અર્જુન રિઝલ્ટ લઈને શિક્ષક પાસે ગયો, તેમણે કહ્યું, ‘‘અર્જુન, મને માફ કર. મેં ક્યારેય તારી ક્ષમતા ઓળખી નહિ અને તારી મજાક ઉડાડી.’’
અર્જુને શાંતિથી કહ્યું — ‘‘સર, તમે ખીજાયા અને તમારા શબ્દોએ જ મને જગાડ્યો. ક્યારેક ઠોકર જ સૌથી મોટો ઉપહાર હોય છે.મિત્રોએ મજાક ઉડાડી તેમાંથી મને પ્રેરણા મળી.હું નાસીપાસ થયો પણ હાર્યો નહિ. મારા મનની અંદરથી જ મને હિંમત મળી અને મારો માર્ગ બદલાઈ ગયો.” બીજા તમારા વિશે શું વિચારે છે, એ મહત્ત્વનું નથી. તમે તમારા વિશે શું વિચારો છો — એ જ તમારી દિશા નક્કી કરે છે.મનની અંદરથી નિશ્ચય કરી તમે તમારી દશા તમે જાતે જ બદલી શકો છો અને સાચી દિશામાં મહેનત કરી આગળ વધી શકો છો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.