Editorial

દુનિયાના સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના શહેરો મોખરે: ખૂબ ચિંતાજનક બાબત

દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં    ભારતના શહેરો મોખરે છે એ અહેવાલ થોડા સમય પહેલા આવ્યા હતા હવે એવા પણ અહેવાલ  આવ્યા છે કે દુનિયાના સૌથી ગરમ શહેરોની યાદીમાં પણ ભારતના શહેરો મોખરે છે.  વિશ્વના સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના જ શહેરો  સૌથી વધારે છે એમ હાલમાં કરાયેલા કેટલાક નિરીક્ષણો પરથી જાણવા મળ્યું છે.  ગત શુક્રવારે બપોરે વિશ્વના ૧૦૦ સૌથી ગરમ શહેરોમાંથી ૯૭  શહેરો ભારતમાં હતા.

એક આકરા ગરમીના મોજાએ દેશના ઉત્તર, મધ્ય અને પૂર્વ ભાગોને પોતાની ઝપેટમાં લીધા છે, જેના કારણે બપોર સુધીમાં  તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી ઘણું ઉપર પહોંચી ગયું હતું. અને શુક્રવાર સવારની એક યાદી પ્રમાણે તો વિશ્વના સૌથી ગરમ એવા ટોચના પ૦  શહેરોની યાદીમાં તમામેતમામ શહેરો ભારતના હતા.  AQI.in ના જણાવ્યા અનુસાર, બપોરે ૨:૫૦ વાગ્યે (ભારતીય સમય મુજબ) વિશ્વના  ટોચના ૧૦૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતીય શહેરોનો ભારે દબદબો હતો, જેમાં ઓડિશાનું બલાંગીર ૪૮°C તાપમાન સાથે સૌથી ગરમ  સ્થળ તરીકે ઉભરી આવ્યું હતું.

તેના પછી બિહારનું સાસારામ ૪૮°C અને ઉત્તર પ્રદેશનું વારાણસી ૪૭°C તાપમાન સાથે બીજા અને ત્રીજા ક્રમે  હતા. ૧૦૦ શહેરોની યાદીમાં  માત્ર ત્રણ અપવાદો નેપાળના હતા – ધાનગઢી (૨૩મા ક્રમે), નેપાળગંજ (૩૪મા ક્રમે), અને લુમ્બિની સંસ્કૃતિક (૭૬મા ક્રમે) – જ્યાં તાપમાન  ૪૫°C થી ૪૬°C વચ્ચે નોંધાયું હતું. નેપાળના આ ત્રણ શહેરો સિવાય યાદીનું દરેક અન્ય સ્થળ ભારતમાં હતું. આ એક ખૂબ જ ચિંતાજનક બાબત છે. દુનિયાના અનેક ગરમ દેશો, રણપ્રદેશના દેશોના શહેરોના નામો નહીં અને ભારતના શહેરોના નામો ગરમ શહેરોની યાદીમાં મોખરે આવી રહ્યા છે.

જ્યારે શુક્રવારે સવારે વિશ્વના તમામ 50 સૌથી ગરમ શહેરો ભારતમાં હતા. દેશના ઉત્તર, મધ્ય અને પૂર્વ ભાગોમાં ભીષણ હીટવેવનો પ્રકોપ જોવા  મળ્યો હતો, જેના લીધે બપોર પહેલા જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઘણું ઉપર પહોંચી ગયું હતું. એર ક્વોલિટી અને વેધર ટ્રેકર AQI.in ના  જણાવ્યા અનુસાર, સવારે 10:50 વાગ્યે (IST) વિશ્વના ટોચના 50 સૌથી ગરમ શહેરોની યાદીમાં સંપૂર્ણપણે ભારતીય શહેરોનો જ દબદબો હતો,  જેમાં ઓડિશાનું બલાંગીર 45°C તાપમાન સાથે સૌથી ગરમ સ્થળ તરીકે સામે આવ્યું હતું. તેની પાછળ ચંદ્રપુર અને પ્રયાગરાજ 44°C  તાપમાન સાથે હતા,  આ  રેન્કિંગે હાલમાં ચાલી રહેલા હીટવેવના વ્યાપનું એક ચોંકાવનારું ચિત્ર રજૂ કર્યું છે. આ યાદીમાં અડધાથી વધુ શહેરો માત્ર ઉત્તર પ્રદેશના જ હતા,  જેમાં વારાણસી, બાંદા, બરેલી અને અયોધ્યા જેવા સ્થળોએ બપોર પહેલા જ તાપમાન 42°C થી 43°C વચ્ચે નોંધાયું હતું.

ભારતીય ભૌગોલિક મેદાન વિસ્તાર (ઇન્ડો-ગેન્જેટિક પ્લેઇન્સ)ના મોટાભાગના વિસ્તારોમાં સતત ફૂંકાતા સૂકા ઉત્તર-પશ્ચિમી પવનો, સ્વચ્છ આકાશ  અને ચોમાસા પહેલાના છાંટણાની રાહતમાં વિલંબને કારણે આ આત્યંતિક પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે એમ નિષ્ણાતો જણાવે છે. આ કારણો તો કુદરતી કારણો છે પરંતુ  એ પણ કઠોર વાસ્તવિકતા છે કે ભારતના શહેરોમાં વ્યાપક પ્રદૂષણને કારણે ગરમી ખૂબ વધી  છે.  વિશ્વના ગરમ પ્રદેશોના શહેરોના નામો નહીં અને ભારતના શહેરોના નામો આ યાદીમાં આવી રહ્યા છે તે બાબત ખૂબ સૂચક છે.

એ પુરું શક્ય જણાય છે કે કુદરતી કારણોસર વધેલી ગરમીને સ્થાનિક પ્રદૂષણની સ્થિતિ ઓર વકરાવે તેથી ગરમીનું સ્તર અસાધારણ રીતે વધી જાય. ભારતના શહેરોમાં આજકાલ આ જ થઇ રહેલું જણાય છે. અને આટલું બધું થવા છતાં મોટા ભાગના લોકો આ બાબતને ગંભીરતાથી લઇ નથી રહ્યા. કુદરતી પરિબળોને રોકવાનું આપણા હાથમાં નથી પરંતુ પ્રદૂષણ જેવા માનવ સર્જીત પરિબળોને નાથવાનું તો આપણા હાથમાં છે. જો સત્તાવાળાઓ અને પ્રજાજનો સમયસર જાગશે નહીં તો સ્થિતિ હજી વધુ બગડી શકે છે. ખાસ કરીને જ્યારે કુદરતી કારણોસર ગરમી વધતી હોય ત્યારે તેમાં માનવ સર્જિત પરિબળોની અસર ઉમેરાતા ઘણી ગંભીર સ્થિતિ સર્જાઇ શકે છે.

Most Popular

To Top