VIRAL

સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા

ગુજરાતના સુરતમાં રહેતા યુવા ઇનોવેટર શિવમ મૌર્યએ ટેક્નોલોજી અને ક્રિએટિવિટીના અનોખા સંગમ સાથે એક એવી ‘ઘોસ્ટ સાયકલ’ બનાવી છે, જે વિના ડ્રાઈવર રસ્તા પર દોડી શકે છે. આ નવીન શોધમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એન્જિનિયરિંગ અને ડિઝાઇનનો સરસ સમન્વય જોવા મળે છે. શિવમે આ પ્રોજેક્ટ પોતાના સાથી ગુરપ્રીત અરોડાની મદદથી માત્ર 3 મહિનામાં પૂર્ણ કર્યો છે, જેમાં અંદાજે 35,000નો ખર્ચ થયો છે. આ સાયકલની સૌથી ખાસ વાત એ છે કે તે કોઈ વ્યક્તિ વગર પોતાની જાતે રસ્તો નક્કી કરીને આગળ વધી શકે છે. તેમાં ઉપયોગમાં લેવાયેલું એનિમેટેડ પેડલિંગ મિકેનિઝમ તેને વધુ આકર્ષક બનાવે છે. આ મિકેનિઝમને કારણે સાયકલ ચલતી વખતે એવું લાગે છે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને ચલાવી રહી હોય.

ટેક્નોલોજીની દ્રષ્ટિએ, આ ‘ઘોસ્ટ સાયકલ’માં ટ્રિપલ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. યુઝર તેને મોબાઈલ એપ દ્વારા કંટ્રોલ કરી શકે છે, અથવા રિમોટથી ચલાવી શકે છે. ઉપરાંત, AI મેપિંગ ટેક્નોલોજી દ્વારા સાયકલ પોતે જ રસ્તા ઓળખી શકે છે અને ઓટોમેટિક રીતે દિશા બદલી શકે છે. આ સ્માર્ટ મિકેનિઝમ સાયકલને માનવીય ટચ આપે છે અને તેને વધુ રિયલિસ્ટિક બનાવે છે. શિવમનું માનવું છે કે આ ટેક્નોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં અનેક ક્ષેત્રોમાં થઈ શકે છે. ખાસ કરીને કોન્ટેક્ટલેસ ડિલિવરી સિસ્ટમમાં, જ્યાં કોઈ વ્યક્તિના સંપર્ક વગર સામાન પહોંચાડવો શક્ય બને. ઉપરાંત, કેમ્પસ સિક્યુરિટી માટે પેટ્રોલિંગ અને પ્રદૂષણ મુક્ત પરિવહન તરીકે પણ આ પ્રકારની ટેક્નોલોજી ઉપયોગી સાબિત થઈ શકે છે.

શિવમ મૌર્ય પહેલાથી જ પોતાની ક્રિએટિવ ઇનોવેશન્સ માટે જાણીતા છે. આ પહેલા તેમણે ‘ગરુડા AI બાઇક’ બનાવીને પણ દેશભરમાં ચર્ચા જગાવી હતી. આ ‘ઘોસ્ટ સાયકલ’ માત્ર એક ઇનોવેશન નથી, પરંતુ તે બતાવે છે કે યુવા મગજોમાં કેટલો પોટેન્શિયલ છે. ઓછી કિંમત અને મર્યાદિત સમયમાં તૈયાર થયેલું આ પ્રોજેક્ટ ભવિષ્યની સ્માર્ટ અને ઓટોમેટેડ દુનિયાની એક ઝલક આપે છે.


Most Popular

To Top