Top News

More Posts

   The Latest

Most Popular

જય મહારાજ’ના નાદ સાથે લાખો ભક્તોએ દિવ્ય પ્રસાદ ઝીલ્યો; દેશ-વિદેશના શ્રદ્ધાળુઓથી નડિયાદ બન્યું ભક્તિમય


(પ્રતિનિધિ) નડિયાદ, તા. 1
નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અવધૂત સંતરામ મહારાજની 195 વર્ષ જૂની પરંપરા અનુસાર હજારો મણ સાકર અને સુકા ટોપરાની દિવ્ય વર્ષા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત, પંચમહાલ, ચરોતર ઉપરાંત દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વિસ્તાર ‘જય મહારાજ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
ભક્તોની મનોકામના પૂર્ણ કરતો દિવ્ય પ્રસાદ
સંતરામ મંદિરના વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજ દ્વારા દિવ્ય આરતી ઉતારવામાં આવ્યા બાદ સાકરવર્ષા મહોત્સવનો વિધિવત પ્રારંભ થયો હતો. મંદિરના શિખર અને પરિસરમાંથી સેવકો દ્વારા સાકર તથા ટોપરાના ટુકડાઓ ઉછાળવામાં આવતા જ ભક્તોમાં તે ઝીલવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાકરવર્ષાને કારણે મંદિરનું પ્રાંગણ જાણે શ્વેત ચાદરથી ઢંકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લોકવાયકા મુજબ આ સાકરનો પ્રસાદ ગ્રહણ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
લોકમેળાની જમાવટ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આ ઉત્સવને પગલે નડિયાદમાં લોકમેળા જેવો માહોલ સર્જાયો હતો. મંદિરની બહાર તથા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મનોરંજનના સાધનો તેમજ ખાણી-પીણીના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાખો ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા હતા.
ટ્રાફિકની સમસ્યા છતાં ભક્તિનો ઉત્સાહ અકબંધ
ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા નડિયાદના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. તેમ છતાં ભક્તોમાં દર્શન અને પ્રસાદ મેળવવાનો ઉત્સાહ યથાવત રહ્યો હતો.
સેવા અને વ્યવસ્થાનો ઉત્તમ સમન્વય
ભક્તોની સુવિધા માટે મંદિર પ્રશાસન દ્વારા પીવાનું પાણી તથા પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાસ અને અલ્પાહારના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. ભક્તોની અવરજવર સરળ બને તે માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી, જ્યારે મંદિરના સેવકો અને સ્વયંસેવકો ખડેપગે રહી સેવા કરતા નજરે પડ્યા હતા.

To Top