વરસાદી ચેનલની કામગીરીને પગલે પાલિકાનો નિર્ણય; વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની જાહેરાત
વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડીયા રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને ચોમાસા દરમિયાન ભરાતા પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાઘોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધીના વ્યસ્ત માર્ગ પર વરસાદી ચેનલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી, આ રસ્તો આગામી 15 દિવસ માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા જોવા મળી રહી હતી. આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે પાલિકાના તંત્ર દ્વારા આશરે 15 દિવસ સુધી ચાલનારી આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. કામગીરી દરમિયાન રસ્તા પર મોટા ખાડાઓ ખોદવાની અને પાઇપલાઇન નાખવાની પ્રક્રિયા હોવાથી સલામતીના કારણોસર વાહનચાલકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. આ માર્ગ બંધ થવાથી સ્થાનિક રહીશો અને દરરોજ અવરજવર કરતા વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પાલિકાના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કામગીરી અત્યંત જરૂરી હોવાથી નાગરિકોએ સહકાર આપવો અનિવાર્ય છે. નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી કરીને 15 દિવસ બાદ ફરીથી માર્ગ ખુલ્લો મૂકી શકાય. આ કામગીરી પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાં મોટો ઘટાડો થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વિસ્તારમાં જતા પહેલા ડાયવર્ઝન નકશા અને સૂચનાઓનું પાલન કરે જેથી કોઈ પણ અણધારી મુશ્કેલીથી બચી શકાય.