India

તમિલનાડુની રાજનીતિમાં ઐતિહાસિક ક્ષણ.

મુખ્યમંત્રી થલપતિ વિજયે વિધાનસભામાં બહુમતી સાબિત કરી દીધી હતી.

વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન વિજયના નેતૃત્વવાળી તમિલગા વેટ્રી કઝગમ (TVK) સરકારને કુલ 144 ધારાસભ્યોનું સમર્થન મળ્યું, જેના કારણે તેમની સરકાર વધુ મજબૂત બની ગઈ છે. બીજી તરફ વિરોધ પક્ષ DMKએ મતદાન પહેલા જ વોકઆઉટ કરી રાજકીય ગરમાવો વધાર્યો હતો.234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં બહુમતી માટે 118 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. જોકે વિજયે આ આંકડો સરળતાથી પાર કરીને 144 મત પોતાના પક્ષમાં મેળવ્યા. વિશ્વાસ મત દરમિયાન 22 મત સરકારના વિરોધમાં પડ્યા હતા, જ્યારે કેટલાક સભ્યોએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.

વિજયની TVK પાર્ટીએ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતી હતી અને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પરંતુ પૂર્ણ બહુમતી ન મળતા સરકાર રચવા માટે અન્ય પક્ષોના ટેકાની જરૂર પડી હતી. ત્યારબાદ કોંગ્રેસ, IUML, VCK, CPM સહિતના કેટલાક પક્ષોએ વિજય સરકારને સમર્થન જાહેર કર્યું હતું. આ ઉપરાંત AIADMKના બળવાખોર ગૃપના કેટલાક ધારાસભ્યોએ પણ વિજયને ટેકો આપતા રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા.

વિશ્વાસ પ્રસ્તાવ પહેલા વિજયે વિવિધ પક્ષોના નેતાઓ સાથે સતત બેઠક કરી હતી. કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત બાદ પક્ષે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું હતું. IUMLએ પણ સેક્યુલર શાસનની આશા વ્યક્ત કરીને વિજય સરકારને ટેકો આપ્યો હતો. VCKએ જણાવ્યું હતું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ ન પડે તે માટે તેઓ વિજય સરકારને સમર્થન આપી રહ્યા છે. CPMએ પણ લોકો કેન્દ્રિત નીતિઓને ટેકો આપવાની જાહેરાત કરી હતી.

AIADMKમાં પણ આ મુદ્દે મોટો ભંગાણ સામે આવ્યો હતો. પાર્ટીના સત્તાવાર નેતૃત્વે વિજય સરકારના વિરોધમાં મતદાન કરવા માટે વિપ જાહેર કર્યો હતો, છતાં કેટલાક ધારાસભ્યો બળવો કરીને વિજયની તરફેણમાં ઊભા રહ્યા હતા. આ ઘટનાએ રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચાઓ જગાવી છે.AMMKના એકમાત્ર ધારાસભ્ય એસ. કામરાજે પણ અંતિમ ક્ષણે પોતાનું વલણ બદલીને વિજય સરકારને સમર્થન આપ્યું હતું. આ પગલાં બાદ AMMK નેતૃત્વે તેમના સામે કડક કાર્યવાહી કરતાં પક્ષમાંથી બહાર કાઢી મૂક્યા હતા.

વિશ્વાસ મત જીત્યા બાદ મુખ્યમંત્રી થલપતિ વિજયે જણાવ્યું હતું કે જનતાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેને તેઓ વિકાસ અને પારદર્શક શાસન દ્વારા સાચો સાબિત કરશે. તેમણે કહ્યું કે “વિસલ વેવ હવે વિક્ટરી વેવમાં બદલાઈ ગઈ છે.” તેમના સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચેન્નાઈ સહિત અનેક શહેરોમાં ઉજવણી કરવામાં આવી હતી.


તમિલનાડુની રાજનીતિમાં દાયકાઓથી DMK અને AIADMKનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ ફિલ્મ સ્ટારથી રાજકારણી બનેલા થલપતિ વિજયે પોતાની પ્રથમ જ ચૂંટણીમાં સત્તા સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો છે. હવે વિધાનસભામાં બહુમતી સાબિત થયા બાદ તેમની સરકાર આગામી સમયમાં રાજ્યમાં નવી રાજકીય દિશા નક્કી કરશે કે નહીં, તેના પર સૌની નજર ટકેલી છે.

Most Popular

To Top