બે બેઠકો પરથી ઐતિહાસિક જીત બાદ શુભેન્દુ અધિકારીએ કર્યો મોટો એલાન, કહ્યું- “એક બેઠક 10 દિવસમાં છોડવી પડશે”
કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો રાજકીય વળાંક સર્જનાર ભાજપ નેતા અને રાજ્યના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નંદીગ્રામ અને ભવાનીપુર – બન્ને વિધાનસભા બેઠકો પરથી જીત મેળવ્યા બાદ હવે તેમણે નંદીગ્રામ બેઠક છોડવાનો નિર્ણય કર્યો છે. શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભવાનીપુર બેઠકના ધારાસભ્ય તરીકે કાર્ય ચાલુ રાખશે.
શુભેન્દુ અધિકારીના આ નિર્ણયને પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભવાનીપુર બેઠક પર તેમણે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને સીધી ટક્કરમાં હરાવ્યા હતા. આ જીતને ભાજપ માટે ઐતિહાસિક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
ભવાનીપુરમાં મમતાને આપી ઐતિહાસિક હાર
2026ની વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને 15 હજારથી વધુ મતોથી હરાવી રાજકીય હલચલ મચાવી દીધી હતી. મતગણતરીના 20 રાઉન્ડ પૂર્ણ થયા બાદ શુભેન્દુ અધિકારીને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતાને 58,812 મત મળ્યા હતા. આ રીતે શુભેન્દુએ 15,105 મતોથી જીત મેળવી હતી.
ભવાનીપુર લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અને મમતા બેનર્જી માટે આ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ હતી. જોકે શુભેન્દુ અધિકારીએ ભાજપના આક્રમક પ્રચાર અને હિન્દુ મતદારોના ધ્રુવીકરણના મુદ્દે મોટી જીત મેળવી હતી.
નંદીગ્રામ સાથે ખાસ લાગણીશીલ જોડાણ
શુભેન્દુ અધિકારી માટે નંદીગ્રામ માત્ર રાજકીય બેઠક નથી પરંતુ તેમની રાજકીય કારકિર્દીનું કેન્દ્ર માનવામાં આવે છે. 2021માં પણ તેમણે નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીને હરાવી રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. ત્યારબાદ 2026માં ફરી એકવાર નંદીગ્રામમાંથી જીત મેળવી તેમણે પોતાનો ગઢ વધુ મજબૂત કર્યો હતો.
નંદીગ્રામમાં જાહેર સભા દરમિયાન શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે કાયદા મુજબ બે બેઠકો રાખી શકાય નહીં અને તેમને 10 દિવસની અંદર એક બેઠક છોડવી પડશે. તેમણે કહ્યું કે “હું મારી જવાબદારીમાંથી ભાગીશ નહીં.”
કેમ ભવાનીપુર બેઠક રાખવાનો નિર્ણય?
રાજકીય નિરીક્ષકો માને છે કે શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક રાખવાનો નિર્ણય વ્યૂહાત્મક રીતે લીધો છે. ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને હરાવવી ભાજપ માટે પ્રતીકાત્મક જીત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શુભેન્દુ આ બેઠક છોડવા માંગતા નથી.
બીજી તરફ નંદીગ્રામ પહેલેથી જ ભાજપનો મજબૂત ગઢ બની ચૂક્યો છે અને ત્યાં પાર્ટીને સંગઠનાત્મક રીતે વધુ મુશ્કેલી નહીં પડે, એવું માનવામાં આવે છે. ભવાનીપુરમાં પોતાની હાજરી જાળવી રાખીને શુભેન્દુ કોલકાતા અને શહેરી રાજકારણમાં ભાજપને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, એવી ચર્ચા ચાલી રહી છે.
ભાજપના પ્રથમ બંગાળી CM તરીકે ઇતિહાસ
તાજેતરમાં ભાજપે શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. રાજ્યમાં લગભગ બે દાયકાથી ચાલી રહેલા તૃણમૂલ કોંગ્રેસના શાસન બાદ ભાજપે પ્રથમવાર સરકાર રચી છે. શુભેન્દુ અધિકારી રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બન્યા છે.
એક સમયે મમતા બેનર્જીના નજીકના સાથી ગણાતા શુભેન્દુ અધિકારી હવે તેમના સૌથી મોટા રાજકીય પ્રતિસ્પર્ધી બની ગયા છે. નંદીગ્રામથી શરૂઆત કરીને હવે ભવાનીપુર સુધી પહોંચેલી તેમની રાજકીય સફરે પશ્ચિમ બંગાળની રાજનીતિનો સમગ્ર દૃશ્યપટ બદલાવી નાખ્યો છે.
હવે શું થશે?
શુભેન્દુ અધિકારી નંદીગ્રામ બેઠક છોડતા હવે ત્યાં પેટાચૂંટણી યોજાશે. ભાજપ માટે આ બેઠક જાળવી રાખવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની શકે છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ પણ નંદીગ્રામમાં ફરી મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે શુભેન્દુનો આ નિર્ણય માત્ર કાનૂની પ્રક્રિયા પૂરતો નથી પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપના લાંબા ગાળાના રાજકીય પ્લાનનો પણ મહત્વપૂર્ણ ભાગ છે. હવે સૌની નજર નંદીગ્રામ પેટાચૂંટણી અને ભવાનીપુરમાં શુભેન્દુ અધિકારીના આગામી રાજકીય પગલાં પર રહેશે.