Top News

More Posts

   The Latest

Most Popular

વાપી-શામળાજી હાઇવે નં.56 ઉપર વસેલું વાંસદાનું ભીનાર ગામ આજે અનેક ક્ષેત્રે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. 80 % સાક્ષરતા ધરાવતું ભીનાર ગામ આશરે 5494 જેટલી વસતી ધરાવે છે. ગામમાં ડુંગળી ફળિયા, કાજિયા ફળિયા, દેસાઈ ફળિયું, પાટી ફળિયું, ટાંકલી ફળિયું, ખડકાળા ફળિયું, કુંભાર ફળિયું, પુલ ફળિયું, આશ્રમ ફળિયું, ભાટેલ ફળિયું અને તળાવ ફળિયાનો સમાવેશ થાય છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા જોવા મળે છે. સાથે અહીંના લોકો નર્સરીના વ્યવસાય થતી પણ આગળ વધી રહ્યા છે. તેમજ પશુપાલનની વાત કરીએ તો બકરાં, ગાય અને ભેંસનું પાલનપોષણ કરી આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે. ભીનાર ગામની મધ્યમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થતાં હાઇવેની બાજુમાં ખાનગી વ્યવસાય, ધંધા-રોજગાર કરી અહીંના લોકો સારો લાભ મેળવી રહ્યા છે. ખેતીની વાત કરીએ તો ખેડૂતો ડાંગર, જુવાર, શેરડી જેવા પાકો સાથે લીલા શાકભાજીની પણ ખેતી કરી રહ્યા છે. ભીનાર ગામમાં એમ તો વિવિધ જાતિના લોકો વસવાટ કરે છે. પરંતુ ધોડિયા જાતિના લોકો વધુ વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ભીનાર ગામમાં ગ્રામ પંચાયત, દૂધ ડેરી, સસ્તા અનાજની દુકાન, બેંક, સરકારી આયુર્વેદિક દવાખાનું, લાઇબ્રેરી અને સૌથી જૂની પ્રાથમિક શાળા એકબીજાની નજીક એક જ સ્થળે આવેલી હોવાથી ગ્રામજનોને તેમના વ્યવહાર માટે ખૂબ જ સરળતા રહે છે. ભીનાર ગામના હાલના શિક્ષિત અને યુવા સરપંચ જિતેન્દ્ર પટેલ હંમેશાં ગ્રામજનોની પડખે રહી તેમની સમસ્યા અને જરૂરિયાતોનો તાગ મેળવી ગામને વધુ સુવિધા મળે એ માટે પ્રયત્નશીલ રહે છે.

To Top