Comments

વર્ગખંડના શિક્ષણનો પુનર્વિચાર કરવો પડશે

નવી શિક્ષણનીતિના અમલનું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના આરે છે. અત્યંત પરિવર્તનશીલ અને નાવીન્યસભર ગણાયેલી નવી શિક્ષણનીતિ હજુ સુધી માત્ર વહીવટીય પરિવર્તનોની નીતિ હોય તેમ લાગી રહ્યું છે. એકવીસમી સદીમાં યુવાનો જે નવી અપેક્ષાઓ સાથે નવી ટેકનોલોજી સાથે પનારો પાડી રહ્યા છે તેમને આ નવી શિક્ષણનીતિમાં હજુ કશું ‘નવું’હાથ લાગ્યું નથી.

શિક્ષણના મૂળભૂત બે ભાગ છે. શિક્ષણ અને પરીક્ષણ. નવી શિક્ષણનીતિમાં શિક્ષણ અને પરીક્ષણનાં નવાં પરિણામો હજુ સામે આવ્યાં નથી. ખેર, વેકેશન નજીકમાં છે ત્યારે આપણે શિક્ષણના એક મૂળભૂત મુદ્દાને ફરી તપાસવાનો પ્રયત્ન કરીએ અને તે છે વર્ગખંડ શિક્ષણ.

આધુનિક ઔપચારિક શિક્ષણવ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને છે વર્ગખંડ શિક્ષણ. પ્રાથમિક શાળા હોય, કોલેજ હોય, આપણી શિક્ષણપ્રક્રિયા વર્ગખંડ કેન્દ્ર જ છે! જ્યાં શિક્ષક અધ્યાપક બોલે છે અને વિદ્યાર્થીઓ સાંભળે છે. ક્યાંક શિક્ષક અધ્યાપક જાતે જ અગત્યના મુદ્દા કે નોંધ વિદ્યાર્થીને લખાવે છે. ક્યાંક જાગૃત વિદ્યાર્થી પોતે જ નોંધ ટપકાવે છે. શિક્ષણની આ પધ્ધતિ ધારણાકેન્દ્રી છે. જેમાં ધારી લેવામાં આવે છે કે શિક્ષક-અધ્યાપક જે બોલે છે. સમજાવે છે તે વિદ્યાર્થી સમજે છે. શાળામાં લગભગ ત્રીસ મિનિટ અને કોલેજોમાં એક કલાક આ ‘‘વ્યાખ્યાનકળા’’ ચાલે છે! કોઈ મોટા હોલમાં સ્ટેજ ઉપરથી સામે ભેગા થયેલા અનુયાયીઓ ઉપર ચોકલેટ ઉછાળવામાં આવે અને સૌ તે મેળવવા પડાપડી કરે. તેમ વર્ગખંડમાં શિક્ષક+જ્ઞાન- માહિતી ઉછળે છે સામે બેઠેલા ઉપર! અને સામે બેઠેલાને તે મળ્યું કે ન મળ્યું! તેની પરવા પણ કરવામાં આવતી નથી!

આજ-કાલ વિદ્યાર્થીઓ ખાસ કરીને ‘‘ઉચ્ચ શિક્ષણમાં’’ વર્ગખંડમાં હાજર રહેતાં નથી. જે રહે છે તે રસપૂર્વક જોડાતાં નથી. કેટલાક અંદર અંદર વાતો કરે છે! કેટલાંક ઝોકાં ખાય છે! કેટલાક સ્તબ્ધ બનીને સાહેબને જોયા કરે છે! અને સાહેબો ચર્ચા કરે છે કે હવે વિદ્યાર્થીઓ પહેલાં જેવાં રહ્યાં નથી! કોઈને ભણવું જ નથી! વગેરે.

સાચી વાત એ છે કે વિદ્યાર્થીઓને ભણવું છે, પણ આ રીતે નથી ભણવું અને ‘‘આ’’ નથી ભણવું!

એક નાની વિચારપ્રેરક ફિલ્મમાં સંદેશાવ્યવહારની ઉત્ક્રાંતિનાં દૃશ્યો પછી  વાહનવ્યવહાર ઉત્ક્રાંતિનાં દૃશ્યો. વિજ્ઞાન-ટેકનોલોજીની ઉત્ક્રાંતિનાં દૃશ્યો પછી વર્ગખંડ શિક્ષણનાં દૃશ્યો બતાવાયાં… સંદેશો પક્ષીઓ દ્વારા જતો હતો તે વિડિયો કોલિંગમાં પરિવર્તિત થઈ ગયો.. પણ શિક્ષણ વર્ષો પહેલાં જે રીતે અપાતું હતું તે જ રીતે અપાય છે! હા, ઘણા વર્ગખંડ શિક્ષણને આકર્ષક બનાવવા ટેકનોલોજીનો નજીવો ઉપયોગ કરતાં થયાં છે. પ્રોજેક્ટરથી પી.પી.ટી. પ્રેઝન્ટેશનને એક મહાન પરિવર્તન ગણી લેવામાં આવ્યું છે. પણ એ તો બ્લેક બોર્ડનો વિકલ્પ માત્ર છે! બાળકો સાથે સંવાદ થવો જોઈએ એ બધા જાણે છે પણ આખા વ્યાખ્યાનમાં વિદ્યાર્થી સાથે પ્રશ્નોત્તરી કે વાર્તાલાપ કરનારા કેટલાં? ગ્રુપચર્ચા, અભ્યાસ, સામગ્રીનું વાચન, ક્વિઝ કોયડા સર્જન અને ઉકેલ આના અનેક પ્રયોગો વર્ગખંડમાં થઈ શકે, પણ થતા નથી!

ખરી વાત તો એ છે કે મૂળભૂત શિક્ષણ એટલે કે માધ્યમિક કક્ષાનું શિક્ષણ સૌને સરખું મળી રહે! અને ‘‘ભણવું કેવી રીતે’’ એ વિદ્યાર્થી શીખી લે પછીનું શિક્ષણ સરકારે સંપૂર્ણ સ્વતંત્ર કરી દેવું જોઈએ! જ્ઞાન જેવા અતિ મુક્ત ક્ષેત્રમાં આટલું કેન્દ્રીકરણ કેવી રીતે ચાલે? ગુજરાતની એક યુનિવર્સિટીમાં પાંચસો કોલેજો છે! એડમિશનની રીતે જોઈએ તો એક એક વર્ષમાં શાળા કક્ષાએ 60 અને કોલેજ કક્ષાએ સવાસોથી દોઢસો વિદ્યાર્થીઓ છે. એ એક શિક્ષક બોલે અને આ બધા સાંભળે!- આ રીતે જ આ શિક્ષણ ચાલે છે! પાઠયક્રમો પણ એના એ જ અને ભણાવવાની પધ્ધતિ પણ એની એ જ અને પરીક્ષા? એ તો આજે પણ આપેલા પ્રશ્નોના વિગતવાર જવાબ આપોથી આગળ વધી જ નથી! વર્ગખંડ શિક્ષણનો વિકલ્પ વિચારવાનો પ્રશ્ન માત્ર ભારતનો નથી! સમગ્ર વિશ્વ સામે આ પડકાર છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્રાંતિએ બાળક પાસે અનેક વિકલ્પો મૂકી દીધા છે. વળી શિક્ષણમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ ત્રણેય લેવલે વર્ગખંડ શિક્ષણનું સ્વરૂપ જૂદું-જૂદી જરૂરિયાતવાળું છે!

જેમકે પ્રાથમિકમાં બાળકને અક્ષર અને આંકડાની ઓળખાણ કરાવવાની છે. એટલે શિક્ષકે પાસે બેસીને જ એકડો ઘુંટાવવાનો છે! પ્રાથમિકમાં તો વર્ગખંડ વ્યાખ્યાન કામ જ નથી લાગતું. બાળકને ઓળખાણ કરતાં શિખવાડવું- વર્ગીકરણ કરતાં શીખવાડવું. એને રસ લેતું કરવું તે વ્યક્તિગત ધ્યાન આપીને જ કરવું પડે! તો માધ્યમિકમાં વિદ્યાર્થીની માહિતીલક્ષિતા વધારવા માટે તેને ભાગીદાર બનાવવો પડે! જૂની ગુજરાતી શાળામાં સાહેબો આંક બોલાવતા, પાઠ વંચાવતા, ઘણાં સર્જનાત્મક શિક્ષકો પાઠનું નાટ્યરૂપાંતર ભજવાવતા.

પડકાર મોટો છે! કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણે સાબિત કર્યું છે કે વર્ગખંડ શિક્ષણ એકમાત્ર સાધન નથી શિક્ષણનું! આજે વિદેશી યુનિવર્સિટીના ઓનલાઈન કોર્ષ કરીને યુવાનો ઘણું શીખી રહ્યાં છે. ડીઝીટલ એજ્યુકેશનમાં સલમાનખાનના અને સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં ‘ખાનસર’ના પ્રયોગોથી શિક્ષણજગતમાં કોણ અજાણ્યું છે! તો નવી શિક્ષણનીતિ આ વર્ગખંડ શિક્ષણના ક્રાંતિકારી ફેરફારોથી દૂર કેમ? દર વખતે બાળકોએ જ વેકેશનમાં હોમવર્ક કરવાનું ન હોય! શિક્ષણવિદો-શિક્ષકો-અધ્યાપકો પણ વિચારે કે વર્ગખંડ શિક્ષણમાં નવું શું કરી શકાય? તેના વિકલ્પો શું કરી શકાય?

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top