Editorial

આકરા ઉનાળામાં કઠોળ અને શાકભાજીના ભાવવધારાની પણ તૈયારી રાખવી પડશે

આ વખતે માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. અને અધુરામાં પુરુ એપ્રિલ અને મે મહિનો પણ સખત ગરમ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે લોકોને ચિંતા થાય તે સ્વાભાવિક છે અને જેમને વરસાદનો કંટાળો આવતો હોય તેવા લોકો પણ આ વખતે અત્યારથી ચોમાસાની રાહ જોવા લાગી ગયા હોય તેવું બને. જો કે કાળઝાળ ગરમી વચ્ચે એક રાહતના સમાચાર એ આવ્યા છે કે હવામાન વિભાગ તરફથી એવા પ્રાથમિક સંકેતો આપી દીધા છે કે આ વખતે ચોમાસુ સારુ રહેશે.

જ્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ઉનાળો તપી રહ્યો છે ત્યારે હવામાન વિજ્ઞાનીઓએ ચોમાસાની કેટલીક વહેલી નિશાનીઓ પકડીને આ વર્ષે ચોમાસુ ઋતુ માટે સાનુકૂળ પરિબળો હોવાનું જણાવ્યું છે. જો કે ઉનાળામાં પણ વચ્ચે કેટલાક દિવસોમાં હળવો વરસાદ દેશના વિવિધ ભાગોમાં  થઇ શકે છે પરંતુ દેશના ઘણા વિસ્તારોએ સખત ગરમી સહન કરવી પડશે તેવા સંકેતો મળી જ ગયા છે.

અને જે વિસ્તારોમાં આ ઉનાળો સખત રહેવાની આગાહી છે તેમાં આપણા ગુજરાતનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હીટ વેવ કે ગરમીના મોજાઓના દિવસો આ વખતે સામાન્ય કરતા નોંધપાત્ર વધારે રહી શકે છે. ગરમીના સખત મોજાઓને કારણે લોકોએ સખત  ગરમી તો સહન કરવી જ પડશે પરંતુ તે સાથે કેટલાક પાકો પર પણ આ ગરમ હવામાનની અસર થઇ શકે છે અને તેને કારણે મોંઘવારી પણ વધી શકે છે. જો કે સારા ચોમાસાની આગાહી એક રાહત રૂપ બાબત છે અને ચોમાસામાં સારો વરસાદ થાય પછી શાકભાજી વગેરેના ભાવો ઘટી શકે છે.

હાલમાં એક સમાચાર સંસ્થાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું હતું કે નૈઋત્યના ચોમાસા માટે મોટા પાયા પરના હવામાન પરિબળો સાનુકૂળ છે. આ વર્ષે અલ-નીનો પરિબળ વિલુપ્ત થઇ રહ્યું છે. જૂનની શરૂઆતથી તે એક તટસ્થ સ્થિતિમાં ફેરવાઇ શકે છે એમ મોહાપાત્રાએ કહ્યું હતું. જે તેમણે મધ્ય પેસેફિક મહાસાગરને ગરમ કરતા પરિબળના સંદર્ભમાં કહ્યું હતું જે ભારતમાં નૈઋત્યના ચોમાસાને અસર કરતા અનેક પરિબળોમાંનું એક છે. તેમણે જણાવ્યું હતું કે ચોમાસાના બીજા ભાગ જુલાઇ-સપ્ટેમ્બરની ચોમાસુ ઋતુ લા નીના કન્ડિશન જોઇ શકે છે, જેમાં મધ્ય પ્રશાંત મહાસાગરના પાણી ઠંડા થાય છે.

લા-નીના એ ભારતીય ચોમાસા માટે સારું પરિબળ છે. અને તટસ્થ સ્થિતિ એ સારી સ્થિતિ છે. અલબત્ત, અલ-નીનો સારું નથી. ૬૦ ટકા વર્ષોમાં અલ-નીનોએ ભારતીય ચોમાસા પર નકારાત્મક અસર કરી છે, પણ ગયા વર્ષે તેની નકારાત્મક અસર હતી નહીં એમ મોહાપાત્રાએ જણાવ્યું હતું. આ વર્ષે બરફનું આવરણ પણ ઓછું છે. આ એક વધુ હકારાત્મક પરિબળ છે. દક્ષિણપશ્ચિમી કે નૈઋત્યનું ચોમાસુ ભારતના વાર્ષિક વરસાદના ૭૦ ટકા વરસાદ આપે છે જે ભારતીય કૃષિ ક્ષેત્ર માટે ખૂબ મહત્વનું છે જે ખેતી ક્ષેત્ર ભારતના જીડીપીમાં ૧૪ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને ભારતની ૧.૪ અબજની વસ્તીમાંથી અડધો અડધને રોજગારી આપે છે.

ગયા વર્ષે ભારતે ચોમાસામાં લાંબા ગાળાની સરેરાશ કરતા ઓછો વરસાદ મેળવ્યો હતો, જેના માટે અલ-નીનો બળવાન થવા માટેનું કારણ અપાય છે. ભારતીય હવામાન વિભાગ આ મહિને મોડેથી નૈઋત્યના ચોમાસાની આગાહી જારી કરી શકે છે. તે આગાહી આગામી ચોમાસાની સૌથી પહેલી સત્તાવાર આગાહી હશે. તે પછી પણ બીજી બે-ત્રણ સત્તાવાર આગાહીઓ આવશે, પરંતુ તે પહેલા આ કાળઝાળ ઉનાળા વચ્ચે ચોમાસાને અનુકૂળ સંજોગોની વાત હવામાન વિભાગના વડા દ્વારા કહેવામાં આવી છે તે એક રાહતરૂપ બાબત છે.

સખત ઉનાળો તપી રહ્યો છે અને હજી વધુ તપી શકે છે ત્યારે શાકભાજી અને કઠોળના ભાવ વધી શકે છે તેવા સંકેતો છે. હવામાન વિભાગે આ અગાઉ જ સખત ઉનાળાની આગાહી કરતી વખતે જણાવ્યું હતું કે આ સખત ઉનાળાની અસર ઘઉંના પાકને થશે નહીં. આથી ઘઉંના ભાવ વધવાની કે જેનો પાક ગોદામોમાં પહોંચી ગયો છે તે ચોખાના ભાવ વધવાની તો શક્યતા નથી પરંતુ વિવિધ પ્રકારના કઠોળ અને શાકભાજીઓના ભાવો ચિંતા કરાવી છે કારણ કે આકરા તાપને કારણે આ વસ્તુઓના પાકને અસર થઇ શકે છે.

હાલમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ તેની ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કર્યા બાદ ફુગાવાની ચર્ચામાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. આરબીઆઇના ગવર્નરે નીતિ જાહેર થયા બાદ પ્રેસ બ્રિફિંગમાં આ બાબતની ચર્ચા કરી હતી. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ઉનાળો સખત રહેવાની આગાહી કરી છે ત્યારે કઠોળના પુરવઠાની સ્થિતિ પર અને મહત્વના શાકભાજીઓના ઉત્પાદન પર બારીક નજર રાખવી પડશે. સખત તાપને કારણે ઘઉંના પુરવઠા પર તો અસર નહીં થાય પરંતુ શાકભાજીની કિંમતો પર નજર રાખવી પડશે અને ગરમીના મોજાઓની સ્થિતિની અન્ય અસરો કેવી થાય છે તે જોવું પડશે એ મુજબ આરબીઆઇ ગવર્નરે નીતિ સમીક્ષા પછીના પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું. ટૂંકમાં ચોમાસુ શરૂ થાય તે પહેલા કઠોળ અને શાકભાજીઓના ભાવ વધારાની તૈયારી રાખવી પડશે.

Most Popular

To Top