Columns

સફળતાની ચાવી તમેપોતે જ…!

િબંદુબેન કચરા

મનુષ્ય જે પણ કામનો આરંભ કરે છે તેની પાછળ હંમેશ એની આશા હોય છે કે મને આમાં સફળતા મળશે જ…! જીવનમાં સફળતાનું અનેરું મહત્ત્વ છે. સફળતા હંમેશાં જીવનમાં નવો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જે છે પરંતુ મોટાભાગની વ્યક્તિઓ સફળતા મેળવવા માટે બહારનાં પરિબળો ઉપર આધાર રાખે છે. બહારનાં પરિબળો તમારા જીવનમાં ચોક્કસ પણ આંશિક પરિવર્તન લાવી શકે છે પરંતુ ‘આઈ, મી, ઔર મેં’નો મંત્ર જરૂર મોટો બદલાવ લાવી શકે છે. ‘આઈ, મી, મેં’ એટલે કે આપણે જાતે જ બધું કરી છૂટવાનું છે. કોઈની પણ આશા રાખવાને બદલે પોતાના જાતબળે અને આત્મવિશ્વાસથી જરૂર આગળ વધી શકાય છે.
ગ્રીક તત્ત્વવેત્તા એરિસ્ટોટેલ પાસે ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. એમાં બેત્રણ રાજકુમારો હતા. એક વાર એરિસ્ટોટલે એમને પૂછ્યું- ‘‘તમે રાજા થશો ત્યારે રાજકારણના અટપટા પ્રશ્નો કેવી રીતે ઉકેલશો?’’ એક રાજકુમારે કહ્યું- ‘‘એ સમયે હું તમારી સલાહ લેવા આવીશ.’’બીજાએ કહ્યું- ‘‘હું રાજકારણના બધા પ્રશ્નોનો અગાઉથી જ અભ્યાસ કરી રાખીશ અને છતાં પ્રશ્ન ખૂબ મૂંઝવતો હશે તો મારા પ્રધાનમંડળની સલાહ લઈશ.’’ ત્રીજા રાજકુમારે એરિસ્ટોટેલને જવાબ આપ્યો-‘‘પ્રશ્ન ઊભો થશે ત્યારે એ સમયના સંજોગો પ્રમાણે એનો ઉકેલ કાઢીશ, જાતે જ નિર્ણય લઈશ, કોઈની સલાહ લેવા નહીં જાઉં.’’
સંજોગો પ્રમાણે વર્તવું ને કોઈની સલાહની અપેક્ષા ન રાખવી એ આત્મનિર્ભરતા છે, આપણે આપણા પોતાના જ પગ પર ઊભા રહેવાની તૈયારી ન બતાવીએ ત્યાં સુધી કદી આત્મનિર્ભર બની શકાતું નથી.
કવિ પ્રહલાદ પારેખની પંક્તિ આપણે સૌ જાણીએ છીએ-
‘ આપણે ભરોસે આપણે ચાલીએ…
એક મહેનતના હાથને ઝાલીએ…
હા ભેરુ મારા… આપણે ભરોસે…!
આપણને નિષ્ફળતા મળે છે એનું કારણ આપણને આપણી જાતમાં વિશ્વાસ નથી. જીવનમાં વિશ્વાસનો શ્વાસ લીધા વિના સફળતા પ્રાપ્ત થઈ શક્તી નથી. ખુદમાં જેને ભરોસો હોય તેને ખુદા પણ મદદ કરે.
મારી એક વિદ્યાર્થિની પરીતા, હાઈટ ઓછી, વાને શામળી પણ નમણી, પિતા નહિ, ગરીબ માતાએ સીવણકામ કરી કરીને એને ખૂબ ભણાવી પણ માતાને એક ચિંતા રહેતી કે પરીતા દેખાવમાં સુંદર નથી તો એને કોણ પરણશે? એકબે જગ્યાએ વાત નાંખી તો અપમાનજનક શબ્દો સાંભળવા મળ્યા. પરીતા માતાને ખૂબ સમજાવતી-‘‘તું મારી ચિંતા ન કર, મને મારામાં પૂરો આત્મવિશ્વાસ છે, હું એક દિવસ સુંદર જીવનસંગિની બનીશ.’’ પોતાની અસાધારણ બુદ્ધિપ્રતિભાથી આખી કોલેજમાં એના વખાણ થતાં. સાદી, સીધી, સાદાઈ જ એનો શણગાર. એની સરળતા અને સાદગી અપૂર્વને પસંદ આવી ગઈ. એને ચાહવા લાગ્યો. અપૂર્વ શ્રીમંત કુટુંબનો હતો. વૈભવી જીવનશૈલી હતી. છતાં અપૂર્વને ગરીબીમાં પણ આત્મગૌરવ જાળવીને જીવતાં મા-દીકરીના ગુણોનો પરિચય થતો ગયો. એણે પરીતા સાથે સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કરી દીધું અને સાદાઈથી લગ્ન કરી દીધા. ધીરજથી જીવનની મોટી સફળતા પ્રાપ્ત કરી.
થોડા દિવસ ઘરમાં સાસુ-નણંદ બધાંનો બળાપો- કકળાટ ચાલ્યો પણ પરીતાને પોતાના પર ખૂબ આત્મવિશ્વાસ હતો કે હું મારી જાતને ભૂલીને અપૂર્વનાં માતા-પિતાને એક દિવસ મારા કરીશ અને થયું એમ જ. દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ. બધાં એની સાદાઈની ટીકા કરે છે. સેવાસદનની નોકરીની ટીકા કરે છે એ બધાંનું સાંભળે છે. સામો જવાબ આપતી નથી પણ મનનું ધાર્યું તો કરે જ છે. ભૌતિક સાધનો પ્રત્યે એને નફરત હતી. સાદાઈ અને શીલ એ જ સ્ત્રીના શણગાર. મન સુંદર તો તન સુંદર. તેને વિશ્વાસ હતો કે માણસને વશ કરવા પ્રેમની ઋજુ સંવેદના પૂરતી છે. બાહ્ય ટાપટીપની શી જરૂર? તે ખોટા ખર્ચાઓ બચાવી ગરીબ, બેસહાય નારીઓની સહાય કરવામાં પૈસા વપરાય એમાં જીવનની સાર્થકતા સમજતી. પરીતાની આવી પવિત્ર ભાવનાની કદર અપૂર્વના મનમાં છે. એના આંતરિક સૌંદર્ય પર એ ફિદા છે. અપૂર્વ તો પરીતા જેવી પત્ની પામીને પોતાની જાતને ધન્ય માને છે. પરીતા પોતાના પૈસા, સમયનો યથોચિત સદુપયોગ કરી જાણે છે. જીવનની પળેપળ પતિ સાથેનું સખ્ય માણે છે.
આમ ખુદ પર ભરોસો રાખી એણે જીવન સફળ કર્યું. સૌની માનીતી બની, ધીરજ અને આત્મશ્રદ્ધા આપણા પોતાના હાથમાં છે. તેનો ઉપયોગ કરી ધ્યેય હાંસિલ કર્યું- સફળતાની ચાવી તમે પોતે જ છો તેનું કેવું ઉત્તમ ઉદાહરણ!
ખુદને બુલંદ કરનારા મિત્રો હંમેશાં આગળ નીકળી જાય છે. જે વારંવાર પોતાની જાતને ભાંડતા હોય છે તેઓ રોડા બનીને રખડે છે. રોડા રખડતાં રહી જાય છે અને ઈંટો આપોઆપ ગોઠવાઈ જાય છે.
ઈંગ્લેન્ડના વિખ્યાત સાહિત્યકાર બેન જોન્સન! આ મહાન સાહિત્યકારે જીવનમાં જરાયે નિરાશ થયા વિના જાત પર શ્રદ્ધા રાખી જીવન કેવી રીતે બનાવ્યું તે જોઈએ. જોન્સનના પિતા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેઓ વારસામાં માત્ર 21 પાઉન્ડ મૂકી ગયા હતા. શિક્ષક બનવા વિચાર્યું- ઈન્ટરવ્યૂ આપવા ગયા પણ એ એટલો બધો કદરૂપો હતો કે જેથી પ્રિન્સિપાલને એમ કહેવાની ફરજ પડી કે,- ‘‘મિ. જોન્સન, તમને હું શિક્ષક તરીકે લઈ શકું એમ નથી કેમ કે તમને જોઈને જ વિદ્યાર્થીઓ ડરીને ભાગી જાય.’’
જોન્સનની જગાએ જો કોઈ બીજો હોય તો આ શબ્દોથી ભાંગી જાય! પણ એ હતાશ ન થયો. ઈષ્ટદેવની કૃપા માની સાહિત્ય પ્રવૃત્તિ હાથ પર લીધી અને તેમણે ખૂબ ઉત્કૃષ્ટતાથી સાહિત્યસર્જન કરવા માંડ્યું. એમણે માત્ર ઈંગ્લેન્ડમાં જ નહીં પણ વિશ્વમાં મહાન સાહિત્યકાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું.
સફળ વ્યક્તિ હંમેશાં પોતાની જાત સાથે સ્પર્ધા કરે છે કારણ કે સ્પર્ધા જ એના આત્મબળની કસોટી છે.
તો વાચકમિત્રો! તમે જ તમારા રાહબર, જો મનુષ્ય પોતાની ભીતરમાં રહેલાં કૌશલ્યને ઓળખે, તેનો આદર કરે અને સુવ્યવસ્થિત પધ્ધતિસર કામ કરે તો સફળતાની ચાવી પોતાના હાથમાં જ છે. વિશ્વાસ અને આત્મવિશ્વાસ હોવાથી તમે તમારું જીવન તમારા પ્રયત્નોથી જ સુંદર બનાવી શકો છો.
મારા વાહલા વિદ્યાર્થી મિત્રો, તમારે પણ જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે. કોઈ પણ પરીક્ષા હોય આત્મવિશ્વાસ કેળવો. મને બધું જ આવડે છે! ભય અને શંકાથી દૂર રહો સફળતા એટલી જ તમારી નજદિક આવશે. એક વાર તમને માર્ગ કાઢતાં આવડી ગયું પછી કામ સરળ બની જશે. તમે જ તમારા ભોમિયા! મનને નવી દિશા આપો, મનને ઉત્સાહમય બનાવો, જોશ અને હોંશ રાખશો તો દુનિયા તમારી મુઠ્ઠીમાં…! કોઈના પર આધાર ન રાખો… તમે જ સર્વસ્વ….! તમે જ તમારા ભાગ્યવિધાતા…!
સુવર્ણરજ
અમને નાંખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરી સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં
– શેખાદમ આબુવાળા

Most Popular

To Top