Top News

More Posts

   The Latest

Most Popular

નડિયાદ: વડતાલમાં પાર્કિંગમાં ગાડીનો કાચ તોડી તેમાંથી મોબાઈલ, રોકડ સહિત છ બેગની ચોરી કરનાર તસ્કર પોતાની ઈનોવા ગાડી લઈને ભાગી ગયો હતો. દરમિયાન ઈનોવા ગાડી નડિયાદમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવાયેલાં સીસીટીવી કેમેરામાં દેખાતાં પોલીસે તસ્કરની અટકાયત કરી હતી. આણંદની કોલેજમાં એલ.એલ.બીની પરીક્ષા આપવા માટે સૂરતથી ગાડી લઈને આવેલાં પાંચ મિત્રો ગત તા.૨૭-૩-૨૨ ના રોજ વડતાલ ખાતે રોકાયાં હતાં. જ્યાં તેઓએ જુના બસસ્ટેન્ડવાળા પાર્કિંગમાં પોતાની ગાડી પાર્ક કરી હતી. દરમિયાન ઈનોવા ગાડીમાં આવેલાં તસ્કરે ગાડીનો કાચ તોડી તેમાંથી છ બેગની ચોરી કરી હતી. આ મામલે ચકલાસી પોલીસ અને સર્વેલન્સ ટીમ દ્વારા રસ્તાની આસપાસ લગાવાયેલાં સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસતાં ચોરી કરનાર તસ્કરની ઈનોવા ગાડીનો નં જીજે ૦૬ એફસી ૩૮૦૬ હોવાનું જણાઈ આવ્યું હતું.

પોલીસે ગાડીના રજીસ્ટ્રેશન નંબર પરથી ગાડીની વિગતો કઢાવતાં ગાડીનો માલિક અકીલ સલીમભાઈ વ્હોરા (હાલ રહે. ઈન્દિરાનગરી, નરસંડા. મુળ રહે.આણંદ) હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, તે ઘરે હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસે નડિયાદ સ્થિત નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાથી સઘન મોનીટરીંગ કરાવી ચોરીમાં સંડોવાયેલ ગાડીની તપાસ શરૂ કરી હતી. જેથી નેત્રમની ટીમે ઈનોવા ગાડી ટ્રેસમાં મુકી હતી. દરમિયાન ગત મંગળવારના રોજ તસ્કર અકીલની ઈનોવા ગાડી નડિયાદમાં લગાવાયેલાં નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના લાઈવ ફુટેજમાં નજરે પડી હતી. જેથી પોલીસે ગાડી રોકી, તસ્કર અકીલ વ્હોરાને પકડી પાડ્યો હતો અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

To Top