National

UNHRCમાંથી રશિયાને બાકાત કરાયું, ભારત સહિત આ દેશોએ વોટિંગ ન કર્યું

કિવ: રશિયાને (Russia) આજે સંયુક્ત રાષ્ટ્રોની માનવ અધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું જ્યારે યુએનની (UN) ૧૯૩ સભ્યોની સામાન્ય સભાએ અમેરિકા (America) દ્વારા રજૂ કરવામાં આવેલા ઠરાવને બહુમતિથી પસાર કર્યો હતો. આ ઠરાવની તરફેણમાં ૯૩ મત પડ્યા હતા, વિરુદ્ધમાં ૨૪ મત પડ્યા હતા અને પ૮ દેશો મતદાન વખતે ગેરહાજર રહ્યા હતા, જે ગેરહાજર રહેનારા દેશોમાં ભારતનો (India) પણ સમાવેશ થતો હતો.

યુક્રેનની રાજધાની કિવમાંથી પીછેહટ કરતી વખતે રશિયન સૈનિકોએ કિવની નજીકના વિસ્તારોમાં નાગરિકોની જે રીતે ક્રૂર હત્યાઓ કરી છે તેની વિગતો અને તસ્વીરો બહાર આવતા દુનિયાભરમા ખળભળાટ મચી ગયો છે. રશિયન સૈનિકોના આ અત્યાચારોના મુદ્દે તેને યુએનમાંથી સસ્પેન્ડ કરવા માટેનો ઠરાવ અમેરિકા દ્વારા યુએનની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યો હતો. મતદાન વખતે ભારત સહિત પ૮ દેશો ગેરહાજર રહ્યા હતા. મતદાન વખતે ગેરહાજર રહેનારા દેશોમાં બાંગ્લાદેશ, ભુતાન, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, મલેશિયા, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, સિંગપોર, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને યુએઇનો સમાવેશ થતો હતો.

આ સાથે જ યુએનની માનવ અધિકાર પરિષદમાંથી રશિયા સસ્પેન્ડ થઇ ગયું છે. રશિયા યુએનની સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય છે અને સુરક્ષા પરિષદનો કોઇ કાયમી સભ્ય યુએનની આવી કોઇ સંસ્થામાંથી સસ્પેન્ડ કરાયો હોય તેવો આ સંભવત: પ્રથમ બનાવ છે. ભારત મતદાનમાં ગેરહાજર રહ્યું તે બાબતે ખુલાસો કરતા યુએનના રાજદૂત માટેના ભારતના કાયમી પ્રતિનિધિ તીરુમૂર્તીએ જણાવ્યું હતું કે ભારત ઠોસ અને કાર્યવાહીના કારણોસર ગેરહાજર રહ્યું છે. ભારત હંમેશા શાંતિની તરફેણમાં રહ્યું છે એમ તેમણે કહ્યું હતું.

Most Popular

To Top