Charotar

નડિયાદમાં માથાભારે શખ્સે 25 લાખની ખંડણી માંગી

તારા શેઠ ક્રિકેટ સટ્ટામાં બહુ કમાયા છે’ તેમ કહી ભરબજારમાં યુવકને પકડી ખેંચતાણ કરી

આસપાસના લોકો વચ્ચે પડતાં યુવકને છોડી મુકી બે માથાભારે શખ્સો ભાગી ગયાં

(પ્રતિનિધિ) નડિયાદ તા.9

નડિયાદ શહેરમાં આંગડીયાપેઢીમાં આંગડિયુ કરવા આવેલા એક યુવકને માથાભારે ઈસમે ધમકાવતા મામલો પોલીસ ચોપડે સુધી લંબાયો છે. ‘તુ અને તારા શેઠે ક્રિકેટના સટ્ટામાં ખુબ કમાણી કરી છે’ તેમ કહીં માથાભારે ઈસમે નોકરીયાત વ્યક્તિ પાસેથી રૂપિયા 25 લાખની ખંડણી માંગણી કરી હતી. આ મામલે બે ઈસમો વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ શહેરના વનમાળી નગરમાં રહેતા 43 વર્ષીય હેમંતભાઈ હસમુખલાલ જેઠવા પોતે પોતાના શેઠની ત્યાં લેબર કોન્ટ્રાક્ટરમાં નોકરી કરે છે. ગતરોજ હેમંતભાઈ તથા તેમના મિત્ર બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ નડિયાદ શહેરના રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સમાં બીજા માટે આવેલ આંગડિયા પેઢીમાં બે લાખનો આંગડીયુ કરવા આવ્યા હતા. આ કામ પૂર્ણ કરી હેમંતભાઈ બહાર લોબીમાં ઊભા હતા અને ફોન પર વાતચીત કરતા હતા. તે સમયે નડિયાદમાં રહેતો મહીનભાઈ અમથાભાઈ તળપદા અને તેનો મિત્ર પપ્પુ તળપદા તેમજ અન્ય એક વ્યક્તિ આ હેમંતભાઈ પાસે આવ્યા હતા. હેમંતભાઈ આ મહીનભાઈ તળપદા અને પપ્પુ તળપદાને ઓળખતા હતા.

જોકે, મહીનભાઈ તળપદાએ ગુસ્સે થઈ કહ્યું કે, તે મને ગઈકાલે લુખ્ખો કેમ કહ્યો હતો. જોકે હેમંતભાઈએ જણાવ્યું કે, હું તમને આવું કાંઈ પણ બોલ્યો નથી. જેથી રોષે ભરાયેલા મહીનભાઈ તળપદા અને સાથે આવેલા પપ્પુ તળપદાએ અપશબ્દો કહી હેમંતભાઈને ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને આ માથાભારે ઈસમે કહ્યું કે ‘તુ અને તારા શેઠે ક્રિકેટના સટ્ટામાં ખુબ કમાણી કરી છે તેની પાસેથી રૂપિયા 25 લાખ મંગાવી લે નહીં તો તારા ટાંટીયા ભાગી જશે’ તેવી ધાક ધમકી આપી નાણાંની માગણી કરી હતી. જોકે આ સમયે આસપાસના ટોળું એકત્ર થતાં આ બંને લોકો ચાલ્યા ગયા હતા અને જતા જતા કહ્યું કે જો પોલીસ કેસ કર્યો તો તને જીવતો નહીં રહેવા દઉં અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બાબતે હેમંતભાઈ જેઠવાએ ઉપરોક્ત મહિનભાઈ તળપદા અને પપ્પુ તળપદા વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Most Popular

To Top