Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) છેલ્લા થોડા સમયથી કોટ વિસ્તારની (Wall City) હાલત ખરાબ થઇ ગઇ છે. ચારે બાજુ ખોદાણ અને સફાઇના અભાવે આ ધુળીયો ઝોન બની ગયો છે. તેથી કોટ વિસ્તારના નગર સેવકોએ મનપાની સામાન્ય સભા પહેલા મળેલી ભાજપની સંકલન મીટીંગમાં ભારે રોષ વ્યકત કર્યો હતો. દરમિયાન આ નગરસેવકોને સભાગૃહમાં ફરિયાદ કરવાની પરવાનગી તો અપાઇ નહોતી. પરંતુ સ્થાયી સમિતિમાં તાકીદે ઠરાવ કરીને કોટ વિસ્તારના 42 રસ્તાઓ તાકીદે રીપેર કરવા ઇજારો આપી દેવાયો છે. જો કે જે રીતે કામ મોટુ છે અને ચોમાસુ નજીક છે. તે જોતા કામ થવાની શક્યતા સામે સ્થાનિક નગરસેવકોમાં (Corporators) શંકા હોય તેમના રોષને શાંત કરવા સોમવારે ખુદ મેયર (Mayor) હેમાલીબહેન બોઘાવાલા મોપેડ પર સાકડા રસ્તાઓનું જાત નિરિક્ષણ કરવા નીકળ્યા હતા.

  • મેયર હેમાલી બોઘાવાલા મોપેડ પર સવાર થઇને કોટ વિસ્તારના સાંકડી ગલીઓ ખુંદી વળ્યા
  • વોર્ડ નંબર 12-13માં શુક્રવાર સુધીમાં ખોદાણ પુરી રસ્તાના કામો ચાલુ કરવા આદેશ
  • ન્યુસન્સ હોય ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે સાંજે પણ અભિયાન ચલાવવા તાકીદ

મેયર સ્થાનિક નગરસેવકો અને અધિકારીઓની ફોજ સાથે વોર્ડ નંબર 12 અને 13ને ખુંદી વળ્યા હતા. તેમજ જે તે રસ્તા પર ચાલી રહેલા પાણી-ડ્રેનેજના કામ સાથે સંબધિત અધિકારીઓ પાસેથી રીવ્યુ લીધો હતો તેમજ મોટા ભાગના કામ બે ચાર દિવસમાં પુરા થઇ જાય તેમ હોય શુક્રવાર સુધીમાં અમુક રસ્તાના ખોદાણ-પુરાણનું કામ પુરૂ કરી તેના પર તાકીદે રસ્તો બનાવી દેવા આદેશ કર્યો હતો. ઉપરાંત અમુક જગ્યાએ દબાણો દુર કરવા, બ્રિજ નીચે બ્યુટીફીકેશન કરવા સહીતના આદેશો કર્યા હતા. તો નવસારી બજાર તેમજ અન્ય ન્યુસન્સ રૂપ દબાણોને હટાવવા પોલીસને સાથે રાખી સાંજે પણ અભિયાન ચલાવવા તાકીદ કરી હતી. તેમજ મેયરે અધિકારીઓને 30 મે સુધીમાં અલ્ટીમેટમ આપી દીધું છે પરંતુ તેનો અધિકારી કેટલો અમલ કરશે તે તો 30 મે બાદ જ ખબર પડશે.

નવસારી બજાર, તાતવાડીની આંગણવાડી પાસે ગંદકી જોઇ મેયર અકળાયા
મેયરે રાઉન્ડ દરમિયાન રસ્તાઓ ઉપરાંત અન્ય સુવિધાઓ બાબતે પણ જાત નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારે વોર્ડ નંબર 13માં નવસારી બજાર ખાતે તાતવાડી સ્થિત આંગણવાડી નંબર 32-33ની આજુબાજુના ગંદકીના ગજ જોઇને મેયર ઉકળી ઉઠ્યા હતા અને એક બાજુ મનપા સ્વાસ્થ્ય માટે આટલો ખર્ચ કરે છે અને અહી બાળકો ગંદકીમાં સબડે છે તે ચલાવી નહી લેવાય. તેવુ કહી નાયબ આરોગ્ય અધિકારી ડો.મહેન્દ્ર પટેલને આડે હાથ લીધા હતા.

To Top