SURAT

હાશ, આખરે ઉધના મેઈન રોડ પરનો ટ્રાફિક હળવો થશે, 11 વર્ષથી અટકેલું આ કામ સુુરત મનપાએ પૂરું કર્યું

સુરત: (Surat) સુરત-ઉધના મેઇન રોડ પર ઐતિહાસિક ડિમોલિશન (Demolition) થયા બાદ પણ અમુક હિસ્સામાં સર્વિસ રોડ (Service Road) માટે જગ્યાનો કબજો મળી શકાયો ન હતો. છેક 2011થી અહીં સર્વિસ રોડ પૂરો કરવા માટે મનપાના (SMC) અધિકારાઓ પ્રયત્નશીલ હતા. પરંતુ ઝોનના અધિકારીઓની નબળાઇ તેમજ કબજો ધરાવતા મિલકતદારોની મક્કમતાને કારણે આ પ્રયત્નો સફળ થતા ન હતા.

  • કોર્ટના આદેશ બાદ પણ સર્વિસ રોડ પરની જમીનનો કબજો નહીં આપતા મિલકતદારો સામે આંખ લાલ કરી 23,000 ચોરસ મીટર જગ્યાનો કબજો લેવાનું શરૂ કરાતાં હવે સુરત-નવસારી મેઇન રોડના ટ્રાફિકને ઘણી અનુકૂળતા થઈ જશે

દરમિયાન આ જગ્યા માટે કોર્ટ કેસ પણ થયો હતો. અને કોર્ટનો ચુકાદો મનપાની તરફેણમાં જ આવ્યો હતો. આથી ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને તેની ટીમ દ્વારા મનપા કમિશનરના આદેશના પગલે એક સાથે સર્વિસ રોડ માટે જગ્યા લેવા ઉપરાંત જેને જગ્યા ફાળવવાની છે તેની જગ્યા પરથી અન્યનો કબજો દૂર કરી જગ્યા ફાળવણીની કામગીરી પણ શરૂ કરાઈ હતી. પાલિકા દ્વારા ડિમોલિશન કરી તેની પાછળ પાછળ જ સર્વિસ રોડ પણ બનાવી યુદ્ધના ધોરણે આ કામ પૂરું કરી દેવાયું છે.

મળતી વિગતો મુજબ ઉધના ઝોનની ટીપી સ્કીમ નં.૨(ઉધના)ના ઓરિજિનલ પ્લોટ નં.૧૮, ફાઇનલ પ્લોટ નં.૨૮ના મિલકતદારોને ઓરિજિનલ પ્લોટ નં.૧૯માંથી ફાઇનલ ટાઉન પ્લાનિંગ સ્કીમ મુજબ ફાળવેલી આશરે ૧૯,૩૦૦ ચો.ફૂટ જગ્યાનો કબજો અપાવવા તથા ઓરિજિનલ પ્લોટ નં.૧૮ના મિલકતદારો પાસેથી ફાઇનલ ટાઉન પ્લાનિંગ સ્કીમ મુજબ ૬૦.૯૬ મીટર ટી.પી. ૨સ્તા પૈકીની આશરે ૨૩ હજાર ચો.ફૂટ રસ્તાનો કબજો લેવાનો હતો.  પાલિકાએ ઓરિજિનલ પ્લોટ નં.૧૯ના મિલકતદારોને વર્ષ-૨૦૧૧માં કબજા ફેરફારની કરવાની તથા કબજો દૂર કરવાની કાર્યવાહી શરૂ થઇ હતી.

જો કે, આ મુદ્દે મિલકતદારોએ બે-બે વખત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જે હાઈકોર્ટ દ્વારા ડિસ્પોઝ્ડ કરવામાં આવી હતી. આમ છતાં તેણે જગ્યાનો કબજો છોડ્યો ન હતો. દરમિયાન ફાઇનલ પ્લોટ નં.૨૮ના મિલતદારે હાઈકોર્ટમાં એપ્લિકેશન  દાખલ કરી ઓરિજિનલ પ્લોટ નં.૧૯માંથી ફાઇનલ પ્લોટ નં.૨૮ને ફાળે જતી જગ્યાનો કબજો મનપા દ્વારા આપવામાં આવે એ મુજબની દાદ માંગી હતી.  હાઈકોર્ટ તેના તરફી હુકમ પણ કર્યો હતો. પરંતુ મિલકતદારોએ કબજો નહીં છોડતાં આખરે ઉધના ઝોનના અધિકારીઓએ આંખ લાલ કરી ત્રણ  મિલકતનું ડિમોલિશન  કરી આશરે 5000 ચો.ફૂટ જગ્યાનો કબજો દૂર કર્યો હતો.

Most Popular

To Top