Madhya Gujarat

ગંભીરાના ઈસમ ઉપર હુમલો કરનાર ૬ શખસને ૩ વર્ષની કેદ

નડિયાદ: આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં રહેતાં એક ઈસમ સાથે નજીવી બાબતે ઝઘડો કરી લાકડીઓ તેમજ દાંતી વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડનાર ૬ શખ્સોને કોર્ટે કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.૩૫૦૦ નો દંડ ફટકાર્યો છે.  આંકલાવ તાલુકાના ગંભીરા ગામની સીમમાં રહેતાં મફતભાઈ પઢિયાર અને તેમનો પુત્ર મુકેશ તારીખ ૨૪-૭-૨૦૧૨ ના રોજ સાઈકલ લઈને ગામમાં ગયાં હતાં. તે વખતે ગામમાં રહેતાં નરેશભાઈ ડાહ્યાભાઈ પઢિયાર પોતાનું સ્કુટર મફતભાઈની સાઈકલને અથડાવી ઝઘડો કર્યો હતો. તુતુ…મેમે બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. તે વખતે નરેશનું ઉપરાણું લઈ તેના ભાઈઓ સુરેશ ડાહ્યાભાઈ પઢિયાર, ઉમેશભાઈ બાલુભાઈ પઢિયાર, લક્ષ્મણભાઈ બાલુભાઈ પઢિયાર, ડાહ્યાભાઈ મેલાભાઈ પઢિયાર અને રંગીતભાઈ લક્ષ્મણભાઈ પઢિયાર હાથમાં લાકડીઓ તેમજ દાંતી જેવા હથિયારો લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને મફતભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ મામલે મફતભાઈના પત્નિ કાંતાબેનની ફરીયાદને આધારે પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી હતી. જે બાદ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. આ કેસ બોરસદના મહે સે.એડી. સિવિલ જજ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલે રજુ કરેલા, પુરાવા, સાક્ષીઓ તેમજ ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી ન્યાયાધીશે આરોપી નરેશ, સુરેશ, ઉમેશ, લક્ષ્મણ, ડાહ્યાભાઈ અને રંગીતભાઈને કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા ૩૫૦૦ નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો છે.

કયાં ગુનામાં કેટલી સજા…?
ઈપીકો કલમ ૩૨૩ સાથે વાંચતા ઈ.પી.કો કલમ ૧૧૪ ના ગુનામાં ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.૫૦૦ નો દંડ,
ઈપીકો કલમ ૩૨૪ સાથે વાંચતા ઈ.પી.કો કલમ ૧૧૪ ના ગુનામાં બે વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.૧૦૦૦ નો દંડ
ઈપીકો કલમ ૩૨૫ સાથે વાંચતા ઈ.પી.કો કલમ ૧૧૪ ના ગુનામાં ૩ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.૨૦૦૦ નો દંડ

પુરાવાના અભાવે ઈ.પી.કો કલમ ૫૦૪, ૫૦૬(૨) ના ગુનામાં આરોપીઓને રાહત મળી
બોરસદ તાલુકાના ગંભીરાના ઈસમ સાથે ઝઘડો કરી લાકડીઓ તેમજ દાંતી જેવા હથિયારો વડે મારામારી ગંભીર ઈજા પહોંચાડનાર ૬ શખ્સો સામે પોલીસે ઈ.પી.કો કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબનો ગુનો નોંધ્યો હતો. જે પૈકી ઈ.પી.કો કલમ ૫૦૪, ૫૦૬(૨) ના આક્ષેપિત શિક્ષાપાત્ર ગુનામાંથી પુરતા પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવ્યાં હતાં. જોકે, આરોપીઓને ઈ.પી.કો કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫ ના ગુનામાં કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી.

Most Popular

To Top