Madhya Gujarat

નડિયાદમાં વડીલોપાર્જીત મકાન બાબતે સાળા – બનેવી બાખડ્યાં

નડિયાદ: નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં રહેતાં બે ભાઈઓ તેમના ઘર નજીક આવેલ પોતાના વડીલોપાર્જીત મકાનનું સમારકામ કરાવી રહ્યાં હતાં, તે વખતે તેમના બનેવી અને ભત્રીજાએ મકાનમાં ભાગ બાબતે ઝઘડો કરી સમારકામ અટકાવ્યું હતું. બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતાં બંને પક્ષોએ ડંડા વડે સામસામે હુમલો કર્યો હતો. જેમાં ચારેય જણાંને ઈજા પહોંચી હતી. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે બંને પક્ષોની ફરીયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં આવેલ આયેશા મસ્જીદ પાસે રહેતાં સલીમભાઈ ઈસ્માઈલભાઈ પાસવાલા અને તેનો ભાઈ ઈમરાનભાઈ ઉર્ફે દાડમ ઈસ્માઈલભાઈ પાસવાલા તેમના ઘર નજીક આવેલ વડીલોપાર્જીત જુના મકાનનું સમારકામ થોડા સમય અગાઉ શરૂ કર્યું હતું. જોકે, જે તે વખતે તેમના બનેવી ઈદ્રીશભાઈ અબ્દુલરજ્જાકભાઈ ખડકીવાલા (રહે.મુખીની ખડકી સામે, પાંચહાટડી, નડિયાદ) અને ભત્રીજો રમીજભાઈ મહેબુબભાઈ વ્હોરા (રહે.દેસાઈ બિલ્ડીંગ પાસે, પાંચહાટડી, નડિયાદ) આ મકાનમાં લાગભાગ બાબતે તકરાર કરી કામ અટકાવ્યું હતું.

જેના થોડા દિવસો બાદ મામલો શાંત પડતાં સલીમભાઈ અને ઈમરાનભાઈએ મકાનનું સમારકામ પુન: શરૂ કરાવ્યું હતું. જેની જાણ તેમના બનેવી ઈદ્રીશભાઈ અને ભત્રીજા રમીજભાઈને થતાં તેઓએ રવિવારના રોજ બપોરના સમયે ત્યાં પહોંચી કામ અટકાવી, સલીમભાઈ અને ઈમરાનભાઈ સાથે ઝઘડો કર્યો હતો. તુતુ…મેમે બાદ ઝઘડો ઉગ્ર બની જતાં ઉશ્કેરાયેલાં બંને પક્ષોએ ડંડા વડે સામસામે હુમલો કર્યો હતો. જેમાં બંને પક્ષના ચારેય જણાંને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે સલીમભાઈ ઈસ્માઈલભાઈ પાસવાલાની ફરીયાદને આધારે ઈદ્રીશભાઈ અબ્દુલરજાકભાઈ ખડકીવાલા અને રમીજભાઈ મહેબુબભાઈ વ્હોરા સામે તેમજ સામેપક્ષે રમીજભાઈ વ્હોરાની ફરીયાદને આધારે સલીમભાઈ ઈસ્માઈલભાઈ પાસવાલા અને ઈમરાનભાઈ ઉર્ફે દાડમ ઈસ્માઈલભાઈ પાસવાલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top