Vadodara

વારસીયાના વેપારીની આંખમાં મરચું નાખી લુટ કરનાર ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો

વેપારીના ઘર અને ઓફિસની રેકી કરી ગેંગને જરૂરી માહિતી પૂરી પાડી હોવાની આરોપીની કબૂલાત

આરોપી તેના ઘરે આવતા વેંત જ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

વડોદરા, તા.7

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં મની એક્સચેન્જના વેપારી સાથે થયેલી ચકચારી લૂંટના ગુનામાં ફરાર રહેલા વધુ એક આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી લૂંટના ગુનાનું કાવતરું ઘડવામાં, રેકી કરવામાં અને અન્ય આરોપીઓને માહિતી પહોંચાડતો હોવાનું તપાસમા ખુલ્યુ છે.
ગત 16 જાન્યુઆરી 2026ના રોજ કારેલીબાગ વિસ્તારમાં આવેલી દુકાન બંધ કરીને વૃદ્ધ વેપારી કાર લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન એક્ટિવા અને બાઇક પર આવેલા શખ્સોએ વેપારીને પોછો કર્યો હતો અને વેપારી તેમના ઘર પાસે કારમાંથી ઉતર્યા હતા ત્યારે હોય તેમની આંખમાં મરચાંની ભૂકી ફેંકી હુમલો કર્યો હતો. ત્યારબાદ કારની પાછળની સીટમાં મુકેલી રૂપિયા 1.19 લાખની રોકડ રકમ ઉપરાંત અલગ અલગ 19 દેશોની વિદેશી ચલણી નોટો ભરેલી બેગ ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.
આ બનાવ બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી અને લૂંટ કરનાર ગેંગના કેટલાક આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા હતા ત્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપી સુરજ મનોજ સલાટ (રહે. જીવનનગર, વુડાના મકાન, વાઘોડિયા રોડ, વડોદરા) પોલીસ પકડથી દૂર હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાદમે મળી હતી કે આરોપી તેના ઘરે આવ્યો છે તેથી ટીમે વાઘોડિયા રોડ વિસ્તારમાં તેના ઘરે રેડ કરીને સુરજ સલાટને ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રાહુલ મારવાડી સાથે મળીને સુરજ સલાટે લૂંટની યોજના બનાવી હતી. તેણે વેપારીના ઘર અને ઓફિસની રેકી કરી ગેંગને જરૂરી માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત આણંદ ખાતે બેઠક ગોઠવી લૂંટને અંજામ આપવા માટે અન્ય આરોપીઓને મહત્વની માહિતી પણ પૂરી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને આગળની કાર્યવાહી માટે વારસીયા પોલીસને સોંપ્યો છે.

Most Popular

To Top