નકલી વિઝા, ઓફર લેટર અને એમ્બેસી રસીદો મોકલી ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી; આરોપી નંબર બ્લોક કરી ફરાર
વડોદરા તા.7
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ સાથે 70 લાખ રૂપિયાની મોટી છેતરપિંડી કરાઇ છે. ફિનલેન્ડ અને આલ્બેનિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી ઠગે 16 ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં નકલી વિઝા, ઓફર લેટર અને એમ્બેસીની રસીદો મોકલી ઠગાઈ આચરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર વિસ્તારમાં રહેતા અને અકોટાના ઇન્ડિયાબુલ્સ મેગામોલ ખાતે “જીયા ઈમિગ્રેશન” નામે ઓફિસ ચલાવતા મેહુલભાઈ અરવિંદભાઈ પટેલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ વર્ષ 2019થી વર્ક પરમિટ વિઝા સંબંધિત વ્યવસાય સાથે સંકળાયેલા છે. જાન્યુઆરી-2025 દરમિયાન તેમના વોટ્સએપ પર વિદેશી નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ હોવાનું જણાવ્યું હતું. આરોપી મૂળ ગાંધીનગરનો હોવાનું અને હાલ નોઈડામાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.
આરોપીએ ફિનલેન્ડ અને આલ્બેનિયા માટે વર્ક પરમિટ વિઝાની પ્રક્રિયા કરાવવાની ઓફર કરી હતી. સાથે જ અગાઉ અનેક લોકોને વિદેશ મોકલ્યાનો દાવો કરી મેહુલભાઈનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીની વાતોમાં આવી મેહુલભાઈએ પોતાના તેમજ અન્ય એજન્ટોના કુલ 16 ગ્રાહકો પાસેથી વિઝા પ્રક્રિયા માટે મોટી રકમ મેળવી હતી.
આલ્બેનિયા માટે ચાર ગ્રાહકો પાસેથી રૂ.18 લાખ અને ફિનલેન્ડ માટે છ ગ્રાહકો પાસેથી રૂ.39 લાખ એકત્રિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય એજન્ટોના પાંચ ગ્રાહકો તથા એક વ્યક્તિ પાસેથી મળીને રૂ.78 લાખની રકમ ભેગી થઈ હતી. આરોપીના કહેવા મુજબ રૂ.70 લાખ આંગડીયા મારફતે દિલ્હીના સરનામે મોકલવામાં આવ્યા હતા.
ત્યારબાદ ગ્રાહકોના પાસપોર્ટ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ વોટ્સએપ મારફતે આરોપીને મોકલવામાં આવ્યા હતા. આરોપીએ વિઝા, વર્ક પરમિટ, ઓફર લેટર અને એમ્બેસીની રસીદો મોકલી પ્રક્રિયા પૂર્ણ થયાનો દાવો કર્યો હતો. જોકે સરકારી વેબસાઇટ પર ચકાસણી કરતા તમામ ડોક્યુમેન્ટ નકલી હોવાનું સામે આવ્યું હતું.
છેતરપિંડીનો ભાંડો ફૂટતા મેહુલભાઈએ આરોપી રોકી પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ તેમનો નંબર બ્લોક કરી દીધો હતો અને રૂપિયા પરત આપ્યા નહોતા. આખરે મેહુલભાઈએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.